ધંધૂકા ફેદરા માર્ગ પર રાયકા રેલવે ફટક નજીક વાપીથી સાળંગપુર દર્શનાર્થે જઈ રહેલા સોલંકી પરિવારની કાર અચાનક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડ સાઈડમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં બે બાળકો સહિત છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 108ની મદદથી ઇજાગ્રસ્તોને ધંધૂકાની આરએમએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ધંધૂકા ફેદરા માર્ગ પર રવિવારે બપોરે 3 કલાકે ફેદરા તરફ્થી આવી રહેલ કારના ચાલકે રાયકા રેલવે ફટક પાસે અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડના ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતાં 108 ફેદરાના પાયલોટ સહદેવસિંહ ઈએમટી પરસોત્તમભાઈ તથા ધંધૂકાના પાયલોટ અસરફ્ પઠાણ અને ઇએમટી રવિરાજસિંહ ગોળ ઘટનાસ્થળે દોડી જઇ ઇજાગ્રસ્ત 6 લોકોને ધંધુકા આરએમએસ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. વાપીથી સાળંગપુરધામ તરફ્ દર્શનાર્થે જઈ રહેલો સોલંકી પરિવાર રાયકા નજીક અકસ્માતનો ભોગ બન્યો હતો અકસ્માતમાં બે બાળકો સહિત 6 લોકોને ઇજા થઇ હતી. જે પેકી ભાનુબેન કાળીદાસ સોલંકી તથા અંકિતાબેન કમલેશભાઈ સોલંકીને ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે કમલેશભાઈ સોલંકી, જયદીપ સોલંકી, આયુષ સોલંકી અને અનંત સોલંકીને પણ ઇજાઓ થવા પામી હતી. અકસ્માત અંગે ધંધૂકા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.