ડાકોરમાં ઉજવાઇ રહેલો ફાગણી પૂર્ણિમા મેળો શુક્રવારે આસ્થાભેર પૂર્ણ થયો હતો. શુક્રવારે પૂર્ણિમાના દિવસે પાંચ લાખ ઉપરાંત પદયાત્રિકો, શ્રાદ્ધાળુઓએ મંદિરમાં બિરાજેલા રાજા રણછોડરાયજીના દર્શન કરીને કૃતકૃત્ય થયાની લાગણી અનુભવી હતી.
મંગળાઆરતી સવારે 4 કલાકે યોજાઇ હતી. નિજ મંદિર ખુલતાંની સાથે જ ડાકોરમાં કોણ છે ? રાજા રણછોડ છે ,જયરણછોડ .. માખણચોર ના ગગનભેદી નાદ સાથે શ્રાદ્ધાળુઓના ઘોડાપૂર ઊમટી પડયા હતા આ પૂર્ણિમાના દિવસે ડાકોર રણછોડરાયજી મંદિરમાં ફૂલદોલોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ દિવસે સવારે 9 કલાકે ભગવાનના બાળસ્વરૂપ ગોપાલલાલજી મહારાજને આસોપાલવ, આંબાના મૌર,ફૂલો તથા લીલીદ્રાક્ષથી શણગારેલા હિંડોળામાં બિરાજમાન કરાવીને સેવકો દ્વારા ફૂલદોલોત્સવ ઊજવવામાં આવ્યો હતો. ફૂલદોલોત્સવના સવા લાખ ઉપરાંત ભકતોએ દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી. મંદિર સહિત સમગ્ર ભકતોના જય રણછોડના નાદથી ગુંજી ઉઠયું હતું. આમલકી એકાદશી થી ફાગણી પૂર્ણિમા સુધીના પાંચ દિવસીય ફાગણોત્સવ મેળામાં 10 લાખ ભકતોએ દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી.
જનહિતાર્થે જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર દ્વારા શ્રીજીને ધજા અર્પણ
રણછોડરાયજી મંદિરમાં ફાગણી પૂર્ણિમાના દિવસે શુક્રવારે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, અમદાવાદ રેન્જ આઇ.જી. વિધી અને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ મંગળાઆરતી દર્શનનો લાભ લીધો હતો. ત્યારબાદ કલેકટર અને રેન્જ આઇ.જી દ્વારા જનહિતાર્થે અને સુખાકારી માટે ભગવાન રણછોડરાયજીને પ્રાર્થના કરી હતી અને પરંપરા મુજબ ધજાનું પૂજન કરીને મંદિરના શિખર પર સૌ પ્રથમ તંત્રની ધજા ચઢાવવામાં આવી હતી. આ ઉપરાંત મંદિરમાં કવરેજ અર્થે આવેલા પત્રકાર ગ્રુપ દ્વારા બીજા વર્ષે પણ જનહિતાર્થે ધજા પૂજન કરીને મંદિર શિખર પર ધજારોહણ કરાયું હતું.
ડાકોર મંદિરમાં પોલીસ કર્મી ધુળેટી રમ્યા:
ડાકોર મંદિરમાં શુક્રવારે ફૂલદોલોત્સવ (ધુળેટી પર્વ ) નિમિતે રાજાધિરાજ ભગવાન રણછોડરાજી ના સાંનિધ્યમાં પોલીસ અધિકારી અને પોલીસ કર્મી દ્વારા આનંદભેર ધુળેટી રમીને મોજમસ્તી કરી હતી. પોલીસ જવાનોને ધુળેટી રમતાં નિહાળીને દર્શનાર્થે આવેલા ભકતોજનો પણ આનંદમાં આવી ગયા હતા. આ મેળાને લઇને મંદિરમાં ભકતોને કોઇ મુશ્કેલી ન પડે અને રાજા રણછોડના દર્શનનો લાભ થાય તે માટે પાંચ દિવસ પરિવારથી દૂર રહીને રાઉન્ડ કલોક ફરજ બજાવી રહેલા પોલીસ જવાનો અને અધિકારીઓ એકબીજા ઉપર ગુલાલ સહિત અન્ય કલર છાંટીને મંદિરમાં ભકિત સાથે કલરફૂલ વાતાવરણ બની ગયું હતું. પાંચ દિવસના મેળા દરમિયાન કોઇ પણ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો.
1.50 લાખ લાડુની પ્રસાદી લીધી, 511 ધજા અર્પણ
ડાકોર મંદિરના મેનેજર જે.પી દવેએ જણાવ્યું હતું કે, ફાગણી પૂર્ણિમાના મેળાના પાંચ દિવસ દરમિયાન પદયાત્રિ સંઘ સહિત અન્ય સંઘો દ્વારા નાની મોટી 511 ઉપરાંત ધજાઓ શ્રીજીને અર્પણ કરવામાં આવી હતી. જેમાં 80 બાવન ગજની ધજાનો સમાવેશ થાય છે. જયારે પાંચ દિવસમાં ભગવાનની પ્રસાદીના 1.50 લાખ લાડુ પ્રસાદી ભકતોએ લીધી હતી. યાત્રાધામ રણછોડમય બની ગયું હતું.