યાત્રાધામ તરીકે રાજ્યભરમાં સુપ્રસિધ્ધ ડાકોરમાં નગરપાલિકાનું તંત્ર સાવ ખાડે ગયુ હોય તેમ ઉભરાતી ગટરો અને ઠેર ઠેર કચરાના ઢગ ખડકાયેલા રહેતા હોવાના કારણે નગરજનોને બારેય માસ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ડાકોરની યમુનાકુંજ સોસાયટીમાં પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટ, શહેર ભાજપ પ્રમુખ તેમજ નગરના અગ્રણી ડોક્ટરના મકાન આવેલા છે. તેમ છતાં સદર સોસાયટી પાસે જ ગટરના દૂષિત પાણીનો જમાવડો, કચરાના ઢગ તેમજ રખડતા પશુઓનો અડિંગો જોવા મળી રહ્યો છે. ત્યારે નગરના અન્ય વિસ્તારોની હાલત કેવી હશે તે વિચારવું રહ્યું ? ડાકોર નગરપાલિકાના રેઢિયાળ કામકાજના કારણે જ રહેણાંક વિસ્તારોમાં ઉભરાતી ગટરો અને કચરાના ઢગના કારણે નગરમાં ટાઈફોઈડ, મેલેરિયા તેમજ ડેન્ગ્યુ જેવી બિમારીઓએ પણ માથું ઉંચક્યું છે. તેમ છતાં પાલિકાના પેટનું પાણી પણ હાલતું નથી. ત્યારે હાલ ખેડા જિલ્લામાંય સ્વચ્છતા અભિયાનનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે યાત્રાધામ ડાકોરમાં તેનાથી સાવ વિપરિત સ્થિતિ જોવા મળી રહી છે. એથી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ડાકોર પાલિકાનો કાન આમળી નગરના સફાઈ તેમજ ઉભરાતી ગટરની સમસ્યા દૂર કરાવે તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે.