ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં શરદ પૂનમની રાત્રે એટલે કે આજે રાત્રે રાસોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. રણછોડજી મંદિરમાં પહેલી વખત રાસોત્સવનું દબદબાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
હજારોની સંખ્યામાં મહિલાઓ, બાળકો અને યુવાનોએ લીધો ભાગ
આ આયોજનથી ડાકોર નગર તેમજ આસપાસના ગામની મહિલાઓ તેમજ ખેલૈયાઓ ગરબે ઘૂમવા ઉમંગથી આવી પહોંચ્યા હતા. રણછોડજી મંદિરમાં રસોત્સવનું આયોજન થતાં હજારોની સંખ્યામાં મહિલાઓ, બાળકો અને યુવાનો તેમજ સમાજ સેવક લોકો ગરબે ઘૂમ્યા હતા અને આનંદ માણ્યો હતો.
ભાવિક ભક્તો ભગવાન લલ્લાને માથે મૂકીને ગરબે રમતા જોવા મળ્યા
ટ્રેડિશનલ ડ્રેસ, ચણિયાચોળી તેમજ ઝભ્ભા ધોતિયા સાથે ભાવિક ભક્તો હિલોળે ચડ્યા હતા અને ઘણા ભાવિક ભક્તો ભગવાન લલ્લાને માથે મૂકીને ગરબે રમતા જોવા મળ્યા હતા. લાલજી મહારાજને માથે મૂકી અને ગરબામાં મન મૂકીને ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર લોકો ગરબે ઘુમ્યા હતા. ત્યારે રણછોડજીની ગરબીથી આખુ વાતાવરણ રણછોડમય અને ભક્તિમય બની ગયું હતું.
ડાકોરમાં દશેરાના દિવસે મુશળધાર વરસાદ
તમને જણાવી દઈએ કે યાત્રાધામ ડાકોરમાં દશેરાના દિવસે મુશળધાર વરસાદ વરસ્યો હતો અને ડાકોર મંદિર બહાર ઘુંટણસમા પાણી ભરાયા હતા. આ દરમિાન વરસાદમાં ગોપાલ લાલજી મહારાજની સવારી નીકળી હતી. હાથી પર ગોપાલ લાલજી મહારાજની શોભાયાત્રા નીકળી હતી. પાંચ વર્ષ બાદ શોભાયાત્રા નીકળતા ભક્તોમાં ખુબ જ ખુશી જોવા મળી હતી.