- ડાકોર સહિત કાલસર, નેશ ધુણાદરામાં વરસાદ
- સુઈ આગરવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
- ડાકોર રણછોડજી મંદિર બહાર ઢીંચણસમા પાણી
યાત્રાધામ ડાકોરમાં મેઘો મન મૂકીને વરસ્યો છે,મંદિર બહાર પાર્ક કરેલા વાહનો પણ અડધા પાણીમાં ગરકાવ થયા હતા,પરંતુ વરસતા વરસાદની વચ્ચે પણ યાત્રાળુઓએ પાણીમાં પસાર થઈને રણછોડજી દર્શન કર્યા હતા.આણંદ અને ખેડા જિલ્લામાં સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,એક તરફ વરસાદ તો બીજી તરફ જનમાષ્ટીનો પર્વ નજીક છે એટલે ડાકોરમાં ભકતો દર્શન કરવા ઉમટી પડયા છે.
કપડવંજમાં સૌથી વધુ વરસાદ
ખેડા જિલ્લાના કપડવંજમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.પાંચ ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસવાના કારણે કપડવંજ શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.નાની રત્નાકર માતાએ જવાના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. કપડવંજમાં આવેલી 256hm કોલોનીમાં પણ ભરાયા છે.ભાજપના કાઉન્સિલર ચિન્ટુ પટેલ દ્વારા એચએમ કોલોનીની મુલાકાત લઇ ભરાયેલા પાણીનો નિકાલ કરવા તજવીજ હાથધરાઈ છે.
નડિયાદમાં બે દિવસથી અવિરત વરસાદ
નડિયાદમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે.કેટલાક વિસ્તારોમાં પાણીની ભરાવાની સ્થિત યથાવત્ છે.દેસાઈ વગો વિસ્તારમાં આવેલી હોસ્પિટલ પાસે પણ પાણી ભરાતા દર્દીઓ અને તેમની સાથે આવેલા સગાઓ હેરાન થઈ રહ્યાં છે,દર્દીઓને પણ પાણીમાથી પસાર થવાનો વારો આવ્યો છે.વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા ચાલી આવે છે.
નર્મદા ડેમમાં પાણીની આવક વધુ થઈ
મધ્યપ્રદેશમાં સારો વરસાદ થતા નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે.નર્મદા ડેમમાં પાણીની આવક 117257 ક્યુસેક થઈ છે. નર્મદા ડેમની જળ સપાટી 135.03 મીટરે સ્થિર થઈ છે. નર્મદા ડેમની જળ સપાટીનું રૂલ લેવલ જાળવવા માટે ગઈકાલ સાંજે 6 વાગ્યાથી નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે સાથે સાથે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.