દાહોદ: જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી છ વર્ષની પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીની લાશ મળી હતી. આ બાળકીની હત્યા તેની શાળાના આચાર્યે કરી હોવાનું સામે આવતા હાલ તેની ધરપકડ કરવામાં આવી છે. આચાર્યએ પોતાની કારમાં માસૂમ વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરતા વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરી હતી. જેથી આચાર્યએ કારમાં બાળકીનું ગળું દબાવી દીધું હતું. જેથી બાળકી અર્ધબેભાન થયા બાદ મૃત્યુ પામી હતી. જે બાદ આ નરાધમે પોતાની કાર પણ ધોવડાવી દીધી હતી. આ ઘટનાએ રાજ્યભરમાં અરેરાટી ફેલાવી દીધી છે.
શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો મૃતદેહ
19 સપ્ટેમ્બરના રોજ તોયણી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષની માસૂમ બાળકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં તેની શાળામાંથી જ મળ્યો હતો. જે બાદ બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, તેનું મોઢું દબાવીને મારવામાં આવી છે. જેથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ મામલે જિલ્લાની એલસીબી તેમજ અન્ય બ્રાન્ચો અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ તપાસ હાથ ધરાઈ હતી.
આ પણ વાંચો:
આજે 17 જિલ્લામાં થઇ શકે છે મેઘ મહેરની આગાહી
‘સાંજે શાળા છૂટ્યા બાદ હું મારા ઘરે ગયો’
મૃતકની માતાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, 19મી સપ્ટેમ્બરના રોજ તેમણે દીકરીને શાળાના આચાર્ય ગોવિંદ નટે સાથે તેમની કારમાં મોકલી હતી. જેથી પોલીસે આચાર્ય અને શાળાના શિક્ષકોની પણ પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન આચાર્યએ જણાવ્યું હતું કે, બાળકીને હું મારી કારમાં બેસાડીને શાળામાં લાવ્યો હતો પરંતુ ગાડીમાંથી ઉતરીને ક્યાં ગઈ તેની મને ખબર નથી. જે બાદ હું મારી રોજિંદા કામ કરવા લાગ્યો હતો. સાંજે શાળા છૂટ્યા બાદ હું મારા ઘેર જતો રહ્યો હતો.
આચાર્યની કબૂલાતમાં અનેક ઘટસ્ફોટ
આચાર્યની વાત સાંભળીને પોલીસને તેની કડક પૂછપરછ કરી હતી. આચાર્યના મોબાઈલ ફોનનું ટેકનિકલ એનાલિસિસ પણ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક ઘટસ્ફોટ થયા હતા. આચાર્યની કડક પૂછપરછ કરતા તેણે તમામ માહિતી જણાવી હતી. આચાર્યએ બાળકીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસ સમક્ષ તેણે જણાવ્યું હતું કે, બાળકીને ગાડીમાં બેસાડ્યા બાદ તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી. જેથી બાળકી બૂમાબૂમ કરવા લાગી હતી. જેથી તેને ચૂપ કરવા મોઢું દબાવી દીધું હતું. જેથી તે બેભાન થઈ ગઈ હતી. વિદ્યાર્થિનીને ગાડીની પાછળની સીટમાં મૂકી શાળામાં લઈ આવ્યો હતો. શાળા છૂટ્યા બાદ પરત જતી વખતે જાતે જ બાળકીને શાળાના ઓરડા અને કમ્પાઉન્ડની દીવાલ વચ્ચે મૂકી દીધી હતી. આટલું જ નહીં, બાળકીની સ્કૂલ બેગ, ચંપલ તેના વર્ગખંડ બહાર મૂકી દીધા હતા. આ કબૂલાત બાદ પોલીસે આચાર્ય ગોવિંદ નટની ધરપકડ કરી છે.
બાળકીની લાશને કારમાં જ રાખી શાળા પણ ભરી
આચાર્ય ગોવિંદ નટ મૃત બાળકીને કારમાં શાળામાં લઈ ગયો હતો. જે બાદ શાળામાં કાર પાર્ક કરી ત્યારે કારના કાચ અડધા ખુલ્લા રાખ્યા હતા જેથી આવતા જતા શિક્ષકો કે શાળાના બાળકો બાળકીને જુએ તો પોતે કહી શકે કે, બાળકી મારી ગાડીમાં ક્યાંથી આવી તેની ખબર નથી. જોકે, આવું ન થતા તેણે બાળકીને શાળાના ઓરડા અને કમ્પાઉન્ડની દીવાલ વચ્ચે મૂકી દીધી હતી. આ ઉપરાંત તેણે પુરાવાનો નાશ કરવા માટે પોતાની કારને ગોધરામાં ધોવડાવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર