- દેવગઢબારિયામાં અનોખો મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- માનવ સાંકળમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા
- આંગણવાડી બહેનો ‘વોટ એજ સંદેશ’ની મહેંદી મુકાવી
આગામી 7મી મેના રોજ લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજવા જઈ રહયું છે. ગુજરાતની 25 બેઠકોની સાથે સાથે કુલ 12 રાજ્યોની 94 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે, રાજકીય પક્ષો હવે ગુજરાતની બેઠકો પર ટાર્ગેટ કરી રહ્યા છે. વધુમાં રાજકીય પક્ષોની સાથે સાથે ચૂંટણી પણ જનતાને મતદાન કરવા માટે જાગૃતિ અભિયાનો ચલાવી રહ્યા છે ત્યારે, વહીવટી તંત્ર દ્વારા પણ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરીને લોકોને મતદાન માટે જાગૃત કરવામાં આવે છે. દાહોદ જિલ્લાના દેવગઢબારિયામાં અનોખી રીતે લોકોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા.
જનતાએ ઉત્સાહભેર લીધો ભાગ
મળતી માહિતી મુજબ, દાહોદ જિલ્લાના દેવગઢબારિયામાં દેવગઢબારિયા પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે શહેરમાં મતદાન જાગૃતી માટે માનવ સાંકળ બનાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં, કર્મચારીઓ, અધિકારીઓ, આંગણવાડી બહેનો સહિત સામાન્ય જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સહી ઝુંબેશ પણ ચલાવવામાં આવી
વધુમાં, દેવગઢબારિયાના ટાવર આગળ વહીવટીતંત્ર દ્વારા અનેક સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. તો સાથે સાથે આંગણવાડી બહેનો દ્વારા માનવ સાંકળ, વોટ એજ સંદેશની મહેંદી પણ મુકાવવામાં આવી હતી. વધુમાં, સિગ્નેચર કેમ્પેઇન એટલે કે સહી ઝુંબેશ પણ ચલાવવામાં આવી હતી. દેવગઢબારિયા પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા દેવગઢબારિયા શહેરના હાટ બજાર ખાતેથી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.