ડભોઇ વડોદરા રાજયઘોરી માર્ગ પર ફરતીકુઇ નજીક સોમવારે રાત્રિના હીટ એન્ડ રનની ઘટેલી ઘટનામાં પેટ્રોલ પંપ પર સફાઇ કામની ફરજ બજાવી ચાલતા ઘરે જઈ રહેલા એક 50 વર્ષીય એક આધેડનું અજાણ્યા વાહનની અડફેટે મોત નિપજ્યું હતું.
ડભોઈ તાલુકાના ફરતી કુઈ ગામે રહેતા 50 વર્ષીય ગોવિંદભાઈ લલ્લુભાઈ વસાવા ડભોઇ વડોદરા રાજ્યગુરુ માર્ગ પર આવેલા ફરતીકુઇ ગામ નજીકના રિલાયન્સ તેમજ અન્ય પેટ્રોલ પંપ ખાતે સફાઇનું કામકાજ કરી પોતાનું પેટિયું રળી ખાતા હતા. ગત રોજ બનેલી ઘટનામાં પેટ્રોલ પંપ ઉપર સફાઇનું કામકાજ પૂર્ણ કરી તેઓ ચાલીને પોતાના ફરતીકુઇ ખાતે આવેલા ઘરે જઈ રહ્યા હતા. ચાલીને ટ્રેકટરના શોરૂમ નજીક પહોંચતા રોડ ઉપર પુર પાટ દોડતા એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી દેતાં આધેડ ગંભીર ઇજાઓ સાથે ફ્ંગોળાઈ ગયા હતા. આ દ્રશ્ય જોઈ જતા આવતા વટે માર્ગુઓ તાત્કાલિક થોભી જઇ ગંભીર ઇજાગ્રસ્તની વ્હારે આવી ગયા હતા. દરમિયાન કોઈ ઇસમે 108 ઇમર્જન્સીને ફોન કરી આધેડને નજીક ડભોઇ ખાતે હોસ્પિટલ લઈ જવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ ગંભીર ઇજાગ્રસ્ત ગોવિંદભાઈ વસાવા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનો પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ ઘટના સંબંધી પોલીસને જાણ કરતા જ પોલીસે સત્વરે ઘટના સ્થળે આવી સ્થળ સ્થિતિ મુજબનું પંચનામું કરી ટક્કર મારી ભાગી છુટેલા વાહનને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.