- ગરમીના માહોલમાં પાણીનો દુર્વ્યય કેટલો યોગ્ય
- તંત્ર દ્વારા ભંગાણનું તત્કાળ સમારકામ કરવામાં આવે તેવી માગ
- વઢવાણા નજીક પાણીની પાઇપમાં સર્જાયેલું ભંગાણ થી સ્થાનિક હેરાન
ડભોઇ તાલુકા પંથકમાં હાલ ગરમીનો પારો ખૂબ ઊંચો વધી રહ્યો છે. લોકોમાં પાણી પાણી ના પોકારો પડી રહ્યા છે. તેવામાં તાલુકાના વઢવાણા ગામે પીવાના પાણીની લાઈનમાં જ ભંગાણ સર્જાઈ જતા પાણી પુરવઠા વિભાગ અને સ્થાનિક પ્રશાસન ઉપર સવાલ ઊભા થયા છે.
ડભોઇ સહિત સમગ્ર રાજ્યમાં હાલ આકરા તાપનો અનુભવ જનતા કરી રહી છે. ડગલે ને પગલે પાણીની જરૂર દરેકને પડતી હોય છે. રાજ્ય સરકાર એક તરફ્ પાણી બચાવનાં સૂત્રો અને જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહી હોય તેવામાં જ ડભોઇ તાલુકાના વઢવાણા નજીક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયેલું નજરે પડયું હતુ.
સમગ્ર મામલે હાલ ગરમીના માહોલમાં આટલો બધો પાણીનો દુર્વ્યય કેટલો યોગ્ય તે સવાલ ઊભો થયો છે. હજારો લીટર પાણી આમ જ વહી જતું હોય છે તો બીજી તરફ્ પૂરતું પાણી પણ ગ્રામજનો સુધી પહોંચતું ન હોય ત્યારે પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. તંત્ર દ્વારા આ ભંગાણ રિપેર કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.