- બપોરે 1થી 4 શ્રામિકો પાસે કામ નહીં લેવાની ઘોષણાનું ઉલ્લંઘન
- આકાશમાંથી જાણે અગન ગોળા ફેંકાતા હોય તેવી અસહ્ય ગરમી વરસાવાની શરૂઆત
- ડભોઇમાં સેફ્ટીના સાધનો વિના ભર બપોરે મજૂરી કામ કરતા શ્રામિકો
ડભોઇ નગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર ગયો છે. પરંતુ તેનો વર્તાતો 46 ડિગ્રી જેવો જોવા મળી રહ્યો છે. તેમ છતાં ડભોઇ નગરમાં સરકાર દ્વારા આટલા આકરા તાપમાનમાં બપોરના 1થી 4 કલાક સુધી શ્રામિકો પાસે કામ લેવું નહીંની ઘોષણાનું પણ ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે.
ચાલુ સાલે આકાશમાંથી જાણે અગન ગોળા ફેંકાતા હોય તેવી અસહ્ય ગરમી વરસાવાની શરૂઆત કરી દીધી છે. તેમાંય હાલ છેલ્લા બે ત્રણ દિવસથીતો તાપમાનનો પારો 43 ડિગ્રી પહોંચી ગયેલો જોવા મળી રહ્યો છે. કેટલાય મોટા શહેરોમાંતો તાપમાનનો પારો છેલ્લા કેટલાક દિવસોથી 44થી 45 ડિગ્રીથી ઓછો થતો જોવા મળતો જ નથી. રાજ્યના કેટલાય વિસ્તારોને યલો અને ઓરેન્જ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. તેની સાથે સરકાર દ્વારા મજૂરી કરી પેટીયું રળી ખાતા શ્રામિકો માટે પણ એક જીઆર પસાર કરી શ્રામિકો પાસેથી બપોરના એકથી ચાર વાગ્યા સુધી કોઈપણ પ્રકારનું મજૂરી કામ કરાવવું નહીંનો પણ હુકમ બહાર પાડી દેવામાં આવ્યો છે. ડભોઇ પંથકમાં છતાં શ્રામિકો પાસે હાલ પણ આટલા આકરા તાપમાનમાં સેફ્ટીના સાધનો વિના જ મજૂરીકામ કરાવવામાં આવી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.
સંખેડા નવા ટાવર પાસે વરઘોડાને કારણે ટ્રાફિક જામ થતાં લોકો ગરમીમાં શેકાયા
સંખેડા નવા ટાવર પાસે ડીજે સાથે નિકળેલ લગ્નના વરઘોડાને લઈ ટ્રાફ્કિ જામ થઈ જતા વાહન ચાલકો પરસેવે રેબઝેબ થઈ સૂર્યદેવના પ્રકોપ વચ્ચે પંદર મિનિટ સુધી બરાબરના બફઈ જવા પામ્યા હતા . ઘોડે સવાર વરરાજા અને તેઓના મહેમાનો ડીજેના તાલે બપોરના સાડા અગ્યાર કલાકે સંખેડા નવા ટાવર પાસેથી પસાર થતા થતા માર્ગ ઉપર ઊભા થઈ રહેતા જેને લઇને જોત જોતામાં રાહદારીઓ અને વાહન ચાલકોની લાંબી લાઈન લાગવાની સાથે ટ્રાફ્કિમાં અટવાઈ ગયા હતા. ટ્રાફ્કિ જામ થઈ જતા વાહન ચાલકોની હાલત કફેડી બની જવા પામી હતી. જોકે પંદર મિનિટના સમય બાદ ડીજે એક સાઇડ ઉપર કરાવતા આખરે ટ્રાફ્કિ હળવો થતા રાહત થવા પામી હતી.
વાઘોડિયામાં 45 ડિગ્રી ગરમીના કારણે લોકોની હાલત કફેડી બની
વાઘોડિયા પંથકમાં 15 એક દિવસોથી તાપમાનનો પારો વધતા જનજીવન પર ભારે અસર પડતાં રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. સાથે સાથે બજારમાં પણ લોકોની અવર-જવર ઓછી થઈ જવા પામી છે. તાપમાનનો પારો 43 ડિગ્રીથી લઈને 45 ડિગ્રી સુધી વધવાને કારણે અંગ દઝાડતી કાળઝાળ ગરમીમાં જનજીવન અને વેપાર ધંધા પર અસર જોવા મળી રહી છે. ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણના કારણે વાઘોડિયાના રસ્તાઓ બપોરના સમય ખાલીખમ નજરે પડી રહ્યા છે. સાથે જ આભમાંથી વરસતી કારમી ગરમીને કારણે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.