ધરમપુરમાં ગૌમાંસની હેરાફેરીના ગંભીર કેસમાં એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. એડિશનલ સેશન્સ જજ એમ.એ. મિર્ઝાએ 14 કિલોગ્રામ ગૌમાંસ સાથે પકડાયેલા આરોપી વસીમમિયા ગુલામમિયા કાદરીની જામીન અરજી નામંજૂર કરી છે.
.
ધરમપુર પોલીસે 1લી ડિસેમ્બરે બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં આરોપીને ગૌમાંસ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ આઈપીસી અને ગૌહત્યા પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો નોંધી, પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી.
સરકારી વકીલ ડી.જી.પી. અનિલ ત્રિપાઠીએ કોર્ટમાં દલીલ કરી હતી કે, આરોપી વિરુદ્ધ પુરતા પુરાવા છે અને ગૌમાંસનો ગેરકાયદેસર વ્યવસાય હિંદુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. વધુમાં, જામીન મળ્યા બાદ આરોપી ફરી આવો ગુનો કરી શકે છે.
કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં લઈ જામીન અરજી નામંજૂર કરી હતી. કોર્ટે નોંધ્યું કે આવા ગુનાઓમાં સમાજની લાગણીઓ સંકળાયેલી હોય છે અને ગુનાના ગંભીર સ્વરૂપને જોતાં જામીન આપવા યોગ્ય નથી. આ નિર્ણય દર્શાવે છે કે ગૌહત્યા અને ગૌમાંસના ગેરકાયદેસર વ્યવસાય સામે કાયદાકીય કાર્યવાહી વધુ કડક બની રહી છે.