- વડીલોપાર્જિત મિલકત બાબતે પિતરાઈ ભાઈએ છરીના ઘા ઝીંક્યા હતા
- યુવાનનું સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં મોત થયું હતું
- આ કેસમાં ઈજાગ્રસ્તનું રાજકોટ ખાતે સારવારમાં મોત થયુ હતુ
ચોટીલામાં રહેતા યુવાનને વડીલોપાર્જીત મીલકત બાબતે પિતરાઈ ભાઈઓ સાથે ડખો ચાલતો હતો. જેમાં યુવાન પર પિતરાઈ ભાઈએ છરી વડે હુમલો કર્યો હતો. આ કેસમાં ઈજાગ્રસ્તનું રાજકોટ ખાતે સારવારમાં મોત થયુ હતુ. આ કેસ તા.29મીએ ચાલી જતા એડીશનલ સેશન્સ જજે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
કેસની વધુમાં મળતી માહિતી મુજબ મુળ ચોટીલાના બસ સ્ટેશન રોડ પર રહેતા ઈકબાલ યુસુફભાઈ હમીરકા વર્ષ 2017માં પરીવાર સાથે સુરતના માંગરોળમાં રહેતા હતા. ચોટીલામાં આવેલ તેમની વડિલોપાર્જીત મીલકત બાબતે તેમના કાકા-કાકી અને તેમના સંતાનો સાથે તેઓને તકરાર ચાલતી હતી. ચોટીલા ખાતે આવેલ મકાન ભાડે દેવાનું હોવાથી ઈકબાલભાઈ તા. 12 જુલાઈ 2017ના રોજ ચોટીલા આવ્યા હતા. આ સમયે અકરમ શોકતભાઈ હમીરકાએ આવી ચાલ ઘરે તારો હીસ્સો આપી દઉ તેમ કહી બાઈક પર સાથે લઈ ગયો હતો. અને ત્યારબાદ અકરમે અપશબ્દો કહેતા ઈકબાલભાઈએ ના પાડી હતી. જેમાં ઉશ્કેરાઈ જઈ અકરમે છરી વડે પેટમાં, થાપામાં, ગરદનના ભાગે ઈજા કરી હતી. જેમાં ઈકબાલભાઈને સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. જયાં સારવાર દરમીયાન તેઓનું મોત થતા બનાવ હત્યામાં પરીણમ્યો હતો. આ અંગેનો કેસ્તા. 29 ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગર એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીની દલીલો, મૌખીક અને દસ્તાવેજી પુરાવાના આધારે જજ એન.જી.શાહે આરોપી અકરમ શોકતભાઈ હમીરકાને તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી હતી.