લીંબડી તાલુકાના શિયાણી ગામે રહેતો રેથળીયા પરિવાર સોમવારે રાત્રિના સુમારે સોમનાથ પિતૃતર્પણના કાર્ય અર્થે એક પીકઅપ વાહનમાં સોમનાથ જતો હતો.
ત્યારે ચોટીલાથી 8 કિમી દુર નાની મોલડી પાસે મોડી રાતે ગેરકાયદેસર તોડેલા ડીવાઈડરમાંથી એક ટ્રક અચાનક સામે ધસી આવતા પીકઅપ વાહન તેમાં ઘુસી ગઈ હતી. અકસ્માતના ગમખ્વાર બનાવમાં 4 મહિલાઓનાં મોત થયા છે. જયારે 16 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવાયા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેમાં પણ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માત વગરનો એક દિવસ ખાલી જતો નથી. ત્યારે સોમવારે રાત્રે ચોટીલા હાઈવે રકતરંજીત બન્યો છે. વધુમાં મળતી માહિતી મુજબ લીંબડી તાલુકાના શિયાણી ગામે રહેતા રેથળીયા પરિવારને પિતૃ તર્પણની વિધિ કરવાની હોઈ પરીવાર બોલેરો પીકઅપ ગાડી કરીને સોમનાથ જવા નીકળ્યો હતો. જેમાં ચોટીલાથી 8 કિમી દુર નાની મોલડી ગામ પાસે ગેરકાયદેસર રીતે ખોદાયેલા ડીવાઈડરમાંથી ટ્રક બોલેરોની સામે આવી ગયો હતો. અને બોલેરો પીકઅપ ટ્રકમાં ઘુસી ગઈ હતી. આ બનાવમાં ત્રણ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. જયારે એક મહિલાએ રાજકોટ સારવારમાં દમ તોડયો છે. મૃતક ચારેય મહિલાઓ સગા દેરાણી-જેઠાણી થતા હોવાની વિગતો સામે આવી છે. આ બનાવમા પરિવારના 16 લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. શિયાણી ગામની ચાર મહિલાઓના મોત થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યુ હતુ. અને વઢવાણના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાનું વતન શિયાણી હોઈ તેઓ મંગળવારે સવારે તુરંત ગામમાં દોડી ગયા હતા. આ ઉપરાંત જિલ્લા પંચાયતના સભ્ય લાલજીભાઈ કમેજળીયા, રાજપુત કરણી સેનાના મયુરસીંહ મકવાણા સહિતનાઓ અંતીમવિધિમાં જોડાયા હતા. ગ્રામજનોએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી મૃતકોને શ્રાધ્ધાંજલી અર્પી હતી. ચોટીલા પીઆઈ આઈ.બી.વલવીના માર્ગદર્શનથી પોલીસે રાજકોટ દોડી જઈ ઈજાગ્રસ્તોના નિવેદનને આધારે બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ગેરકાયદેસર તોડેલ ડિવાઈડર મોતનું કારણ બન્યું
અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા ડીવાઈડરથી વાહનચાલકોને સામેની સાઈડ જવા લાંબો ફેરો ફરવો પડે છે. તેમાં પણ પાણશીણા, લીંબડી, સાયલા, ચોટીલા સહિતના ગામોમાં હાઈવે પરની કેટલીક હોટલો વાળા પોતાને ત્યાં આવતા ગ્રાહકોની સુવિધા માટે ડીવાઈડર તોડી નાંખે છે. ત્યારે આ તોડી નાંખેલા ડીવાઈડરમાંથી ટ્રક રોંગ સાઈડમાં રસ્તા પર આવતા ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું સ્થાનીકો જણાવી રહ્યા છે.