ચોટીલામાં હત્યાની વધુ એક ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. અવાવરૂ જગ્યાએ કૂવામાંથી એક વ્યક્તિની લાશ મળી આવી છે અને તેની ઓળખ કરવામાં આવતા આ લાશ નાની મોલડીમાં રહેતા ભુપતભાઈ ખાચરની હોવાની જાણકારી મળી છે.
કૂવામાંથી મળી લાશ
મળતી માહિતી મુજબ છેલ્લા 3 દિવસથી ભૂપતભાઈ ખાચર લાપતા હતા અને જે અંગેની જાણકારી તેમના પરિવારજનોએ પોલીસ મથકે પણ આપી હતી. બીજી તરફ અવાવરુ જગ્યાએ આવેલા એક કૂવામાં કોઈની લાશ તરતી હોવાની બાતમી મળતાં નાની મોલડી પોલીસ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કૂવામાંથી ભુપતભાઈના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
મૃતકના માથા પર ઈજાના નિશાન
ભૂપતભાઈના માથા પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા, જેને લઈને માથામાં ઈજા પહોંચાડી ભૂપતભાઈની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે અને હત્યા કર્યા બાદ આ લાશ કૂવામાં ફેંકી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને લઈને નાની મોલડી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી, ત્યારે માલુમ પડ્યું કે મૃત્યુ પામનાર ભુપતભાઈને અવાર-નવાર ઝીંઝુડા ગામની અને હાલ ચોટીલા રહેતા મહેશભાઈ ગોસ્વામીની દીકરી બાઈક ઉપર લેવા અને મુકવા આવતી.
પોલીસે શંકાસ્પદ લોકોની કરી પૂછપરછ
ભુપતભાઈ સાથે તે પૈસાની લેવડદેવડ પણ કરતી હતી. ધારા ગોસ્વામીને શોખ પણ જેવા તેવા ન હતા, મોટરસાયકલ, કાર, ઘોડેસવારી જેવા શોખ હતા. પોલીસની શંકાની શોધ તેના તરફ જતા તેની અટકાયત કરવામાં આવી અને પૂછપરછ કરતા હત્યા કરી હોય તેવું માલુમ પડ્યું છે.
આ હત્યા માત્ર ખાલી પૈસાની લેવડ દેવડ માટે ન થઈ હોય તેવા અનેક કારણો જોવા મળી રહ્યા છે અને અનેક સવાલો પણ થઈ રહ્યા છે કે રાત્રીના સમયે ધારા ગોસ્વામી ભુપતભાઈને બાઈક પર લેવા ગઈ અને અવાવરું જગ્યાએ કેમ લઈ ગઈ? બીજુ એકલી ધારા ગોસ્વામીથી આ હત્યા ના થાય તેનો સાથ આપવા બીજા પણ લોકો આમાં સામેલ હશે? ત્રીજુ ક્યાંક પ્રેમપ્રકરણ તો આ બંને વચ્ચે હોય શકે છે, જેના કારણે પણ આ હત્યાને અંજામ આપ્યો હોય. હાલમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસમાં આગળ શું સામે આવે છે તે જોવાનું રહ્યું.