ચોટીલામાં રહેતા યુવાન સાથે અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી ગત જુલાઈ માસમાં ફાયરીંગનો પ્રયાસ કરી માર મારવાનો બનાવ બન્યો હતો. આ કેસમાં ફરાર આરોપીને ચોટીલા પોલીસે રાજકોટથી ઝડપી લીધો છે. ચોટીલાની જમાતખાના વાળી શેરીમાં રહેતા 29 વર્ષીય મુબીનભાઈ યુનુશભાઈ હમીરકા ડ્રાઈવીંગ કરે છે.
તેઓને અગાઉ ઈલીયાસ ઉર્ફે જોંગો દીનમહમદભાઈ નકુમ સાથે ઝઘડો થયો હતો. ત્યારે આ વાતનુ મનદુઃખ રાખીને તા. 23 જુલાઈના રોજ બપોરના સમયે મુબીનખાન ચોટીલાના નવાગામની સીમમાંથી બાઈક લઈને પસાર થતા હતા. ત્યારે ઈલીયાસ નકુમ અને ત્રણ શખ્સો લાકડાના ધોકા સાથે ધસી આવ્યા હતા અને મુબીનભાઈને માર માર્યો હતો. જયારે ઈલીયાસે તમંચો કાઢી જાનથી મારી નાંખવાના ઈરાદે ફાયરીંગનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફાયરીંગ ન થતા તમંચો ફેંકી દઈ ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બનાવની મુબીનભાઈએ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ઈલીયાસ તા. 7મી ઓગસ્ટના રોજ ઝડપાયો હતો. અને સાથીદારોના નામ આપ્યા હતા. જેમાં આ કેસનો ફરાર આરોપી મુળ સાયલા તાલુકાના હડાળા ગામનો સંજય ઉર્ફે માયકલ રમેશભાઈ વાઘેલા ફરાર હતો. આ દરમીયાન ચોટીલા પીઆઈ આઈ.બી.વલવી, ધનરાજસીંહ વાઘેલા, છગનભાઈ ગમારા સહિતનાઓને રાજકોટના કોઠારીયા રોડ પર તેના રહેણાંક મકાને હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે વોચ રાખી ફરાર સંજય વાઘેલાને ઝડપી લીધો હતો.