- સુરેન્દ્રનગર જિલ્લામાં બપોર બાદ ભારે પવન ફુંકાયો
- મૂળી સિવાય 9 તાલુકા વિસ્તારમાં હળવી મેઘમહેર નોંધાઈ
- છેલ્લા 24 કલાકમાં જિલ્લાના મૂળી સિવાય અન્ય 9 તાલુકામાં વરસાદ વરસ્યો છે
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદની જોર ઘટયુ છે. અને માત્ર ચોટીલા અને ચૂડા તાલુકામાં જ 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્રણ-ચાર દિવસના સતત વરસાદ બાદ વરાપ નીકળતા શહેરીજનો અને ખેડૂતોમાં હાશકારો થયો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના મૂળી સિવાય અન્ય 9 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમી પર્વથી ભારે વરસાદ બાદ વરસાદે જાણે ખમૈયા કર્યા હોય તેમ વરસાદનું જોર ઘટયુ છે. હવામાન વિભાગે જિલ્લાને રેડ એલર્ટમાં સમાવ્યો હતો તેમ છતાં જિલ્લામાં યલો એલર્ટ જેમ વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો જિલ્લાના ચોટીલામાં 37 મિમી અને ચૂડામાં 35 મિમી વરસાદ નોધાયો છે. જયારે લીંબડીમાં પણ 21 મિમી વરસાદ થયો છે. આ સીવાય અન્ય તાલુકાઓ દસાડા, ધ્રાંગધ્રા, લખતર, સાયલા, થાન અને વઢવાણમાં વરસાદી ઝાપટા થયા છે. જયારે મૂળી તાલુકો છેલ્લા 24 કલાકથી વરસાદ વીહીન રહ્યો છે. ભારે વરસાદ બાદ ગુરુવારે સુર્યનારાયણ પણ બપોરે તપ્યા હતા. અને વરાપ નીકળતા ખેડૂતોમાં હાશકારો થયો હતો. બીજી તરફ જિલ્લામાં દિવસભર ફુંકાતા ઠંડા પવનોને લીધે વાતાવરણ ઠંડુગાર થઈ ગયુ હતુ. આજે તા. 30મીએ જિલ્લાનો ઓરેન્જ એલર્ટમાં હવામાન વિભાગે સમાવેશ કરી હળવા વરસાદની શકયતા જણાવી છે.