- ઝીંઝુડાના આરોપીનું છરીના 10 ઘા અને ર રાઉન્ડ ફાયરિંગ કરી ઢીમ ઢાળી દીધું હતું
- 27 દિવસની સારવાર બાદ માવજીભાઈનું મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
- કાળુભાઈને દાઢ કઢાવવાની હોઈ તેઓ ચોટીલાની હોસ્પિટલમાં ગયા હતા
ચોટીલા તાલુકાના ઝીંઝુડાના 45 વર્ષીય ખેડૂત ધર્મેન્દ્રભાઈ શાંતુભાઈ ખાચરને વર્ષ 2021માં ગામના જ માવજીભાઈ વીરજીભાઈ ગાંગડીયા સાથે બોલાચાલી થતા ધર્મેન્દ્રભાઈએ પાઈપથી માર માર્યો હતો.
જેમાં 27 દિવસની સારવાર બાદ માવજીભાઈનું મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. ત્યારબાદ જેલમાં ગયેલા ધર્મેન્દ્રભાઈનો વર્ષ 2022ની શરૂઆતમાં જામીન પર છુટકારો થયો હતો. ત્યારે ઝીંઝુડામાં માથાકુટ થવાની શકયતાને લીધે ધર્મેન્દ્રભાઈ ચોટીલા તેમના સગા કાળુભાઈ રામભાઈ ધાધલના ઘરે રહેતા હતા. તા. 28-2-2022ના રોજ સાંજે કાળુભાઈને દાઢ કઢાવવાની હોઈ તેઓ ચોટીલાની હોસ્પિટલમાં ગયા હતા. જયાંથી ધર્મેન્દ્રભાઈ અને કાળુભાઈ પરત આવતા હતા. જેમાં બાઈક ધર્મેન્દ્રભાઈ ચલાવતા હતા. ત્યારે ચોટીલા-થાન રોડ પર અચાનક બે બાઈકમાં આવેલા ચાર શખ્સોએ બાઈક રોકી ધર્મેન્દ્રભાઈને નીચે પાડી દઈ તેમના પર છરીના 10 ઘા ઝીંકયા હતા. જયારે એક શખ્સે બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યુ હતુ. ત્યારબાદ ચારેય બે બાઈક પર ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં શરીરમાંથી લોહી વધુ માત્રામાં વહી જતા ધર્મેન્દ્રભાઈનું મોત થયુ હતુ. જેમાં કાળુભાઈ રામભાઈ ધાધલે લખમણ વીરજીભાઈ ગાંગડિયા, જયેશ ઉર્ફે જસમત ઉર્ફે જહો જાદવભાઈ ધોળકીયા, ભુપત કાળુભાઈ ગાંગડીયા, અનક અરજણભાઈ ગાંગડિયા અને વીનુ વીરજીભાઈ ગાંગડિયા સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસનો આરોપી જસમત ધોળકિયા નાસતો ફરતો હતો. ત્યારે ચોટીલા પીઆઈ આઈ.બી.વલવીને આ શખ્સ ખેરડી ગામની સીમમાં હોવાની બાતમી મળી હતી. આથી સ્ટાફના વલ્લભભાઈ, કેહાભાઈ, વિજયસીંહ, ભરતભાઈ સહિતનાઓને સાથે રાખી વોચ રાખી ફરાર આરોપી જયેશ ઉર્ફે જસમત ઉર્ફે જહો જાદવભાઈ ધોળકીયાને ઝડપી લીધો હતો. આ શખ્સ સામે રાજકોટમાં મારામારી, પોકસો એકટ મુજબ તથા ચોટીલામા હત્યા સહિતના ગુના નોંધાયા છે. જેમાં એક વાર તેના પર પાસા પણ થયા હતા.