- કુદરતે વાચા-શ્રવણ શક્તિ છીનવી તો જન્મદાતાએ આબરૂ લૂંટી
- મૂકબધીર દીકરીએ જન્માષ્ટમીની રજાઓમાં પોતાનાં ઘરે જવાની ના પાડતા નરાધમ પિતાની પાપલીલાનો પર્દાફાશ થયો
- વર્ષ 2020માં ધો. 7મા ભણતી હતી. ત્યારે ઓકટોબરમાં રજાઓ પડતા ઘરે આવી હતી
ચોટીલામાં રહેતા એક પરિવારની મુકબધીર દિકરી સાથે તેના પિતાએ જ દુષ્કર્મ આચર્યુ હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવમાં પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.
ચોટીલામાં રહેતા એક પરીવારની મુકબધીર દિકરી હાલ 18 વર્ષની છે. તે અન્ય જિલ્લાની મુકબધીર બાળકોની શાળામાં અભ્યાસ કરે છે. તે વર્ષ 2020માં ધો. 7મા ભણતી હતી. ત્યારે ઓકટોબરમાં રજાઓ પડતા ઘરે આવી હતી. આ સમયે મુક બધીર દીકરીના પિતાએ તેને રૂમમાં પુરી દઈ દીકરીની મરજી વિરૂધ્ધ અડપલા કરી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારથી આજ સુધી આ દિકરી જયારે શાળામાં રજાઓ પડતા ઘરે આવે ત્યારે નરાધમ પિતા આવુ કુકર્મ કરતો અને દિકરીને માર મારતો હતો. ત્યારે અન્ય જિલ્લાની મુકબધીર શાળામાં અભ્યાસ કરતી દિકરીએ થોડા સમય પહેલા જન્માષ્ટમીની રજાઓમાં ઘરે જવાની ના પાડી હતી. આથી શિક્ષકોએ સાંકેતીક ભાષામાં તેણીને ઘરે કેમ જવુ નથી. તેમ કહેતા તેણે સમગ્ર હકિકત વર્ણવી હતી. એથી શિક્ષકો જ દિકરીને લઈને ચોટીલા પોલીસ મથકે આવ્યા હતા અને સમગ્ર સત્ય સામે આવ્યુ હતુ અને નરાધમ પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાતા ક્રાઈમ અગેઈન્સ્ટ મહિલા યુનીટ સુરેન્દ્રનગરના પીઆઈ ટી.બી. હીરાણી, જગદીશભાઈ સીંધવ સહિતનાઓએ આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે અને હાલ તેને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.