- અન્ય જિલ્લામાં અભ્યાસ કરતી દીકરી ઘરે આવે ત્યારે પિતા પીંખતો હતો
- દીકરીએ મૂકબધિર શિક્ષકની મદદથી ચોટીલા પોલીસ મથકે પિતા સામે ફરિયાદ નોંધાવી
- વહાલનાં દરિયાએ સાંકેતિક ભાષામાં સમગ્ર આપવીતી વર્ણવી
ચોટીલામાં રહેતા એક પરિવારની દીકરી મુકબધીર છે. તે અન્ય જિલ્લાની એક શાળામાં અભ્યાસ કરે છે. તે જયારે સ્કૂલમાં રજા પડે ત્યારે ઘરે આવે ત્યારે તેનો પિતા રૂમમાં પુરી દઈ મરજી વિરૂધ્ધ અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. બનાવની ચોટીલા પોલીસ મથકે હેવાન પિતા સામે મુકબધીર દીકરીએ ફરિયાદ નોંધાવતા ચકચાર ફેલાઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓ અને મહિલાઓ સાથે છેડતી અને દુષ્કર્મના ગુનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અનેક બનાવોમાં તો ભોગ બનનારના નજીકના સગા જ આરોપી હોય તેવુ સામે આવે છે. પરંતુ ચોટીલા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં તો ખુદ પિતાએ જ મુકબધીર દીકરી સાથે મોં કાળુ કર્યુ હોવાનું સામે આવતા લોકો પિતા સામે ફીટકાર વરસાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ચોટીલામાં રહેતા એક પરિવારની મુકબધીર દીકરી હાલ 18 વર્ષની છે. તે અન્ય જિલ્લાની એક મુકબધીર બાળકોની શાળામાં અભ્યાસ કરે છે. તે વર્ષ 2020માં સાતમા ધોરણમાં ભણતી હતી. ત્યારે ઓકટોબર માસમાં રજાઓ પડતા ઘરે આવી હતી. આ સમયે મુકબધીર દીકરીના પિતાએ તેને રૂમમાં પુરી દઈ દીકરીની મરજી વિરૂધ્ધ અડપલાં કરી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારથી આજ સુધી આ દીકરી જયારે શાળામાં રજાઓ પડતા ઘરે આવે ત્યારે નરાધમ પિતા આવુ કુકર્મ કરતો હતો અને દીકરીને માર મારતો હતો. આ વાત સામે આવતા એક મુકબધીર શિક્ષકની મધ્યસ્થી કરી સાંકેતીક ભાષામાં દીકરીએ સમગ્ર હકિકત પોલીસ સમક્ષ વર્ણવી હતી. આથી ચોટીલા પોલીસ મથકે નરાધમ પિતા સામે પોકસો, દુષ્કર્મ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે. બનાવની વધુ તપાસ ક્રાઈમ અગેઈન્સ્ટ મહિલા યુનીટના પીઆઈ ચલાવી રહ્યા છે.