- ચોટીલા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
- ચાનંપા સાંગાણી, મઘરીખડા, કાંધાસર સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો
- વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ
ગઈકાલે સાંજ બાદ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને અમરેલી, ભાવનગર, ગારીયાધાર, સુરત અને વલસાડ સહિત ઘણા વિસ્તારમાં થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયુ છે. ત્યારે ચોટીલામાં પણ આજે વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો છે.
લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશી
ચોટીલા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ચોટીલા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર જેમ કે ચાનંપા, સાંગાણી, મઘરીખડા, કાંધાસર જેવા અનેક ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે બીજી તરફ વરસાદનું આગમન થતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે, કારણ કે વરસાદ ખેંચાતા ખેડૂતોને તેમની જમીન પર ઉભા પાકને નુકસાની જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી.
ગઈકાલે ગારીયાધારમાં પોણા કલાકમાં બે ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો
ગઈકાલે ભાવનગરના ગારીયાધારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં પોણા કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. પાચ્છેગામ રોડ, આશ્રમ રોડ, બાયપાસ રોડમાં પાણી ભરાયા હતા. રાજપૂત વાડી, વાવ દરવાજા વિસ્તારમાં વરસાદ આવ્યો હતો. વરસાદ પડતા ગરમી અને ઉકળાટથી લોકોને રાહત થઈ હતી.
રાજ્યમાં આજે અને આવતીકાલે બે દિવસ ગાજવીજ પવન સાથે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. રાજયમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસશે. દરિયાકિનારા વિસ્તારમાં 45 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
27 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈ આગાહી
હવામાન વિભાગ તરફથી આવતીકાલે 22 ઓગસ્ટે છોટા ઉદેપુર, નર્મદા, દાહોદ, ભરૂચ, વલસાડ, તાપી, સુરત, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે 27 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યના અનેક અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.