ખેડા: આજે સવારે અમદાવાદ વડોદરા હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં મહિલા સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે. કારનું અચાનક ટાયર ફાટતા તે ડિવાઈડર કૂદાવીને સામેના રોડ પર જતા તે ટ્રકની સાથે અથડાઈ હતી. હાલ તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
આસપાસના ગામના લોકો પણ આવી ગયા હતા
એક્સપ્રેસ હાઇવે પર નડીયાદના બિલોદરા બ્રિજ પાસે ગોઝારો અકસ્માત થયો છે. જેમાં એક કારનું અચાનક ટાયર ફાટતા તે ડિવાઈડર કુદાવીને સામેના રસ્તેથી પસાર થતી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, આસપાસના ગામના લોકો પણ અવાજ સાંભળીને જોવા આવી ગયા હતા.
કારમાં સવાર બે લોકો સારવાર હેઠળ
નડિયાદના બિલોદરા બ્રિજ પાસે થયેલા અકસ્માતમાં કુલ ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. મૃતકોમાં એક મહિલા અને બે પુરૂષો હોવાની જાણકારી મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે, આ અકસ્માત આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ઘટ્યો હતો.
કારમાં પાંચ લોકો સવાર હતા તેમાંથી ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. તેમને સારવાર માટે 108ના માધ્યમથી નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદમાં પણ બન્યો હતો આવો અકસ્માત
અમદાવાદમાં પણ આવો જ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં નશામાં ધૂત આધેડે નરોડા દેહગામ રોડ પર રાત્રે કાર ચાલકે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. નશાની હાલતમાં બેફામ ગાડી ચલાવીને કાર ચાલક ડિવાઇડર કૂદી રોંગ સાઇડ પર જતો રહ્યો હતો અને સામેથી એક્ટિવા પર આવી રહેલા બે યુવકોને અડફેટે લીધા હતા. જેમાં 26 વર્ષના આશાસ્પદ યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યાં છે. સમગ્ર ઘટનાની જાણ થતાં કણભા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર