અમદાવાદ: CID ક્રાઈમે આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરીને 10 રિમાન્ડની માગણી કરી હતી. જેમાં મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ રિમાન્ડ અરજી અંગે કોર્ટને જણાવ્યું હતું કે, “મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારો પાસેથી પૈસા એકત્ર કર્યા બાદ વધુને વધુ લોકો પૈસા રોકે તે માટે લોભામણી જાહેરાતો કરતા હતા. તેઓ પૈસા રોકાણ કરાવનાર એજન્ટોને બાલી, ગોવા અને માલદીવ લઈ ગયા હતા અને ત્યાં જલસા કર્યા હતા. જેમાં સામેલ લોકોના પાસપોર્ટ સહિતની ડિટેલ મેળવાઈ છે.”
સાથે જ સરકારી વકીલે કહ્યું કે, “આરોપીએ પ્રાતિજમાં નિકેશભાઈ પટેલને ફ્રેન્ચાઈઝી આપીને હોટલોમાં સેમિનાર રાખીને રોકાણકારોને બોલાવતા હતા અને ત્યાં પ્રોજેક્ટર ઉપર ઓડિયો અને વીડિયોમાં વિવિધ સ્કીમો બતાવતા હતા. આ પછી રોકાણકારોને વ્યાજ અને વળતર બાબતે માહિતી આપીને મલ્ટી લેવલ માર્કેટિંગમાં નાણાં રોકાણ કરાવતા હતા. પ્રાતિજ ઓફિસ ખોલેલ તેનો ભાડા કરાર મેળવવાનો છે. પ્રાતિજ ઓફિસમાં એજન્ટ નિકેશભાઈ પટેલે કેટલા રોકાણકારો પાસેથી નાણાં ઉઘરાવ્યા હતા તેના હિસાબો, ચોપડા સહિતના દસ્તાવેજો મેળવવાના છે.”
આ પણ વાંચો:
વડોદરા: તલવાર, પાઈપ અને પટ્ટા સાથે જાહેરમાં ગેંગવોર, કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉડ્યા ધજાગરા
વધુમાં સરકારી વકીલે કહ્યું કે, “BZ ઈન્ટરનેશનલ બ્રોકિંગ નેટ નામની વેબસાઈટ બનાવી હતી. જે હાલ વેબસાઈટ બંધ કરી દીધી છે. જે વેબસાઈટમાં રોકાણકારો પાસેથી રોકડા અને ચેકથી નાણાં લીધેલ હોય તેની વિગતો મેળવવાની છે. પ્રાતિજ શાખામાંથી કેટલા નાણાં નિકેશ પટેલ મારફતે ઉઘરાવ્યા હતા? જેના પેટે કેટલુ કમિશન આપવામાં આવ્યું હતું? આ ઉપરાંત કંઈ ગિફ્ટો આપવામાં આવી હતી કે કેમ? વિદેશ ટુર કરાવી હતી કે કેમ? તે બાબતે તપાસ કરવાની છે. જેથી આરોપીને રિમાન્ડ પર સોંપવા જોઈએ.”
બીજી તરફ આરોપી તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે, “આ તમામ મુદ્દે અગાઉ તપાસ થઈ ચૂકી છે, જે જાણતા હતા તે તમામ વિગતો પોલીસને જણાવી દીધી છે, પોલીસ જે મુદ્દે તપાસ કરવા રિમાન્ડ માગી રહી છે તેમાં આરોપીની હાજરીની કોઈ જ જરૂર નથી તેથી કોર્ટે રિમાન્ડ રદ કરી દેવા જોઈએ.” બંને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.
આ પણ વાંચો:
વડોદરા: ભાજપના કાર્યકરે ભાજપના કોર્પોરેટર સાથે ઠગાઈ કરી, 21 લાખ કરી ચાઉં કરી ગયો
ઉલ્લેખનીય છે કે, CID ક્રાઈમે રિમાન્ડ અરજીમાં એવી પણ રજૂઆત કરી છે કે, “નાસતા ફરતા નિકેશ છગનભાઈ પટેલ BZ કંપનીના એક બિઝનેસ મીટીંગ ન્યુ નિકોલ અને પ્રાંતિજ ખાતે રાખી હતી. જેનું સરનામું મેળવવાનું છે. જે મીટીંગમાં કેટલા લોકો હાજર હતા? આ ઉપરાંત આરોપીએ કુલ 11 કંપનીઓ બનાવી હતી. જેમાં BZ ફાઈનાન્સ સર્વિસ, BZ ઈન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડ, BZ પ્રોફિટ પ્લસ, BZ મલ્ટી ટ્રેડ, BZ ગ્રુપ ઓફ મેનેજમેન્ટ, BZ ગ્રુપ ઓફ ડેવલપમેન્ટ, BZ કેપિટલ સોલ્યુશન, BZ હેવી ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ બનાવ્યું હતું. જેની સાથે રાખીને તપાસ કરવાની છે.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર