ભાવનગરમાં 2 દિવસ પહેલા રાત્રીના સમયે નિર્મળનગર વિસ્તારમાં થયેલી મારામારી અને પથ્થરમારીની ઘટનામાં ભાજપના યુવા મોરચાના 2 હોદ્દેદારોને ઝડપી લેવામાં આવ્યા છે. નિર્મળનગર વિસ્તારમાં 2 દિવસ પહેલા મોડી રાત્રિના બે જૂથના ટોળાઓએ સામસામે પથ્થરમારો કર્યો હતો.
નિલમબાગ પોલીસે બંને જૂથના 6 શખ્સની કરી અટકાયત
આ ઉપરાંત આસપાસમાં પાર્ક કરેલી ગાડીઓના કાચ અને બાઈકને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે નિલમબાગ પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બે જૂથના કૂલ 6 આરોપીઓની અટકાયત કરી છે. જેમાં એક જૂથમાં ભાજપના યુવા મોરચાના વોર્ડ મહામંત્રી અને કાર્યાલય મંત્રી પણ પથ્થરમારામાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે. ભાજપના યુવા મોરચાના કાર્યાલય મંત્રી કૃપાલ ચૌહાણ અને વોર્ડ મહામંત્રી મયુર પરમાર પણ પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા હોવાનું સામે આવતા પોલીસે હાલમાં અટકાયત કરી છે.
ભાવનગર પોલીસે અસામાજિક તત્વોને ભણાવ્યો પાઠ
ભાવનગર શહેરમાં આવારાતત્વોની સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં જો હવે આવારાતત્વોએ ગુંડાગીરી કરી તો આરોપીઓની ખેર નથી તે પ્રમાણેનો મેસેજ ભાવનગર પોલીસે આપ્યો છે. શહેરના નિર્મળનગર વિસ્તારમાં બે દિવસ પહેલા ગાડીની તોડફોડ અને આંતક મચાવનાર આરોપીઓનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. જેમાં ભાવનગરના ડોન બનવા ગયેલા યુવાનો હવે પોલીસ પાસે લાચાર બન્યા હતા. ગુંડાગીરી કરનારા રોહિત સોલંકી, પરેશ રાઠોડ, કમલેશ સોલંકી, પૃથ્વી ચૌહાણ, સંજય જાંબુચા, નિલેશ મકવાણાનું નિર્મળનગરના જાહેર વિસ્તારમાં રી-કન્સ્ટ્રક્શન કરાયું હતું.
ભાવનગર શહેરમાં ડોકટર સાથે હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો
ભાવનગર શહેરના રિંગ રોડ ઉપર રહેતા ડો.જીગ્નેશભાઈ નામના તબીબ સાથે હની ટ્રેપનો બનાવ બન્યો છે. તબીબને નર્સ યુવતીએ પોતાના ઘરે અકવાડા પાસે બોલાવી તેમને કેફી પીણું પીવડાવી બેભાન કરી તબીબનો અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. આમ જોવા જઈએ તો આરોપી નર્સ યુવતી અને તબીબને ઘણા સમયથી ઓળખાણ પણ હતી અને બંને થોડા સમય પહેલા ભાવનગરની એક મેટરનિટી હોસ્પિટલમાં એક સાથે ફરજ બજાવતા હતા. શહેરની મેટરનિટી હોસ્પિટલમાં એકસાથે ફરજ બજાવતા સમયે બંને વચ્ચે સંબંધો પણ બંધાયા હતા.
નર્સે રૂપિયા 5 લાખ અને ગાડીની કરી માગણી
યુવતી નર્સે ડોકટરને થોડા દિવસ પહેલા પોતાના ઘરે અકવાડા ખાતે બોલાવ્યા હતા, જ્યાં યુવતીએ તબીબને કેફી પીણું પીવડાવી બેભાન કરી તેમના અશ્લીલ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ આ નર્સ યુવતીએ તબીબને બ્લેકમેલિંગ કરવાનું શરૂ કરી રૂપિયા 5 લાખની માગણી અને એક સ્વીફ્ટ કારની પણ માગણી કરી હતી. સમગ્ર બનાવ અંગે શહેરના ભરતનગર પોલીસ મથકમાં તબીબે નર્સની સામે ફરિયાદ નોંધાવી હતી અને ભરતનગર પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરતા યુવતીને 2 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.