ભાવનગરની જ્ઞાનમંજરી ઈનોવેટિવ યુનિવર્સિટીના ઈલેકટ્રીકલ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ મિલિટરી ઓપરેશનમાં ઉપયોગી બનનાર હૅક્ષા નેક્ષસ રોબોટ બનાવ્યો છે અને યુનિવર્સિટીના ટેકમંજરીમાં આ હેક્ષા નેક્ષસ રોબોટે આકર્ષણ જમાવ્યું હતું અને વિદ્યાર્થીઓએ તેની ખાસિયતો પણ લોકોને જણાવી હતી.
360 ડિગ્રી ફરી શકે છે રોબોટ
આ અંગે મળતી માહિતી મુજબ ભાવનગરની જ્ઞાનમંજરી ઈનોવેટિવ યુનિવર્સિટીના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ ધ્રુવ મોરડિયા, તન્મય ચુડાસમા, વિવેક તલસાણીયા અને યશ ગોહિલ દ્વારા પ્રોફેસર દિશા સિદ્ધપુરાના માર્ગદર્શન હેઠળ હેક્ષા નેક્ષસ રોબોટ બનાવવામાં આવ્યો છે. હેક્સાપોડ રોબોટની ડિઝાઈનિંગ અને ફેબ્રિકેશન વિશેષતામાં તે પ્રાથમિક કાર્યો જેમ કે આગળ અને પાછળ ચાલવા, જમણે અને ડાબે વળવા ઉપરાંત તેની ધરીની આસપાસ 360 ડિગ્રી ફેરવવા અને અસમાન સપાટીઓ પણ પસાર કરવાની ક્ષમતા ધરાવે છે.
મિલિટરી ઓપરેશનમાં ઉપયોગ કરી શકાશે
સ્ટેબિલિટી અને ફ્લેક્ષિબિલીટીના સંદર્ભમાં પરંપરાગત પૈડાવાળા રોબોટ્સની તુલનામા આ 6 પગ વાળા રોબોટની ડિઝાઈન ઘણા વધારાના લાભ પ્રદાન કરે છે. આ રોબોટ એક એવા પ્લેટફોર્મ તરીકે કામ કરશે, જે કોઈ પણ સપાટી પર સર્વેલન્સ અને ઓટો નેવિગેશન માટે ખાસ મિલિટરી ઓપરેશનમાં ઉપયોગ કરી શકાય છે.