Aarti Machhi, Bharuch: ભરૂચ તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલા ઘણા ગામોમાં ગુલાબની ખેતી કરવામાં આવે છે. ખેડૂતો ગુલાબના છોડવા લાવી તેની માવજત કરી ગણતરીના મહિનામાં જ પાક મેળવતા હોય છે.શુકલતીર્થ ગામની આજુબાજુની સીમમાં ખેતરો લાલછમ નજરે પડી રહ્યા છે. ગામની સીમોમાં જાણે ગુલાબી ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો આંખોને પણ ઠંડક આપે છે.
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં રહેતા ઉર્વેશ પટેલ દ્વારા છેલ્લા 10 વર્ષથી ગુલાબની ખેતી કરવામાં આવે છે. તેઓના ખેતરમાં માંડ એક વીઘા જમીનમાં તેઓએ દેશી અને ચાઈનીઝ ગુલાબના છોડ વાવી ગુલાબનો પાક મેળવી રહ્યા છે.
ગુલાબનું સૌથી વધુ ઉત્પાદન શિયાળો અને ચોમાસાની સિઝનમાં થાય છે
ગુલાબની ખેતી માટે ખાસ મહેનત કરવી પડતી નથી. પરંતુ તેનું ઉત્પાદન 6 મહિનામાં સૌથી વધુ શિયાળા અને ચોમાસાની સીઝનમાં જ હોય છે. ગુલાબના ફુલોને રોજે રોજ તોડવા પડતા હોય છે અને એક કિલોના 70થી 80 રૂપિયાના ભાવે વેચાણ થાય છે. શુકલતીર્થના ઉર્વેશ પટેલે તેઓના એક વીઘા ખેતરમાં 2 હજારથી વધુ છોડની વાવણી કરી છે.
છોડમાં ફક્ત પાણી આપવાથી તેમાં કળી આવતા જ ફૂલ શરૂ થઈ જાય છે. ફૂલની ખેતી રોકડીયો હોવાથી રોજેરોજ રૂપિયા ખેડૂતને મળી જતા હોવાથી અન્ય પાક કરતા ખેડૂત પાસે ઓછી જમીન હોય તો પણ તેનો ગુજારો થઈ જતો હોવાનું ખેડૂતો માની રહ્યા છે.
ફૂલની ખેતીમાં નુકસાન ઓછું થતું હોવાની ખેડૂતોની રાય
શુકલતીર્થ, સીંધરોટ,તવરા, મંગલેશ્વર સહિતના ગામના ખેડૂતો તેઓના ખેતરના થોડા ભાગમાં પણ ફૂલની ખેતી કરે છે.ફૂલની ખેતીમાં નુકસાન ઓછું થતું હોવા સાથે બજારમાં ફૂલોની માંગ રોજેરોજ પડી હોવાથી ગુલાબની ખેતી ખેડૂતો માટે આશીર્વાદ રૂપ કહી શકાય છે.
દેશી અને ચાઈનીઝ ગુલાબની ખેતી કરી સારી આવક મેળવે છે
મંગલેશ્વર ખાતે રહેતા અને ભરૂચની એમ કે કોલેજમાંથી એમકોમનો અભ્યાસ કરેલા ખેડૂત ઉર્વેશ પટેલે જણાવ્યું હતું કે, 10 વર્ષથી તેઓ ગુલાબની ફૂલની ખેતી કરે છે. તેઓ દેશી ગુલાબ અને ચાઈનીઝ ગુલાબની ખેતી કરે છે. દેશી ગુલાબની કલમ 8 થી 10 રૂપિયાની આવે છે.
ચાઈનીઝ ગુલાબની કલમ 12 થી 15 રૂપિયાની આવે છે. રોપણી થઈ ગયાના છ મહિના બાદ ઉત્પાદન મળે છે. છોડનો ગ્રોથ વધે તેમ ઉત્પાદન પણ વધે છે. શિયાળા અને ચોમાસાની સિઝનમાં ગુલાબના છોડનું સારું ઉત્પાદન થાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર