Aarti Machhi, Bharuch: નર્મદા નદી કિનારે હજારો શિવ મંદિર આવેલા છે. ભરૂચ જિલ્લામાં નર્મદા નદી કાંઠે ભગવાન શિવના વિવિધ મંદિરો જોવા મળે છે. ત્યારે અંકલેશ્વરથી માત્ર 10 km ના અંતરે આવેલા સજોદ ગામમાં પૌરાણિક સિદ્ધરુદ્ર(સિદ્ધનાથ) મહાદેવ મંદિર આવેલું છે.
આ શિવ મંદિરનું અનેરું મહત્વ રહેલું છે. વાયુ પુરાણ રેવાખંડ 168માં ભગવાન શિવજીએ વેદપતિ બ્રહ્માજીનું મસ્તક વિધ્યું હતું. જે બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થવા શિવજી ભ્રમણ પર નીકળ્યા હતા, જેઓ નર્મદા તટે સજોદ ગામે થંભી ગયા અને તેમણે હજારો દેવો, ગાંધરવો, સિદ્ધોની ઉપસ્થિતમાં એક કુંડની સ્થાપના કરી પવિત્ર નર્મદા નદીનું જળ લાવી કુંડને ભરવામાં આવ્યો હતો. દેવોએ શિવજીની પૂજા કરી સ્નાન કરાવ્યું હતું. આ સ્થળે શિવજીએ ધુર્જટીની સ્થાપના કરી અને દેવોને તેમજ તીર્થને આશીર્વાદ આપી અંતર્ધ્યાન થયા હતા.
રૂદ્રકુંડમાં સ્નાન કરવાથી ચર્મ રોગોથી મુક્તિ મળતી હોવાની માન્યતા
કુંડની સ્થાપના બાદ રૂદ્રકુંડમાં સ્નાન કરવાથી ચર્મ રોગોથી મુક્તિ મળતી હોવાની માન્યતા છે. સાથે મોગલ વંશજ મહંમદ ગઝનવીએ આ મંદિર પર ચઢાઈ કરી હતી, તે સમયે ઝેરી ભમરાના ઝુંડ નીકળતા મોગલોએ ભાગવું પડ્યું હતું. જે પણ હાથ લાગ્યું મોગલો લૂંટ ચલાવી નાસી ગયા હતા. મહંમદ ગઝનવીએ શિવલિંગ અને નદી પર તલવારના ઘા કર્યા તે આજે પણ જોવા મળે છે.
મહંમદ ગઝનવીના હુમલા બાદ 250 વર્ષ પહેલાં નવું મંદિરનું નિર્માણ કરાયું
મહંમદ ગઝનવીના હુમલા બાદ ખંડિત થયેલા રૂદ્રકુંડના ઉપરના ભાગે 250 વર્ષ પહેલા સજોદવાસીઓએ નવા મંદિરની સ્થાપના કરી ભગવાન સિદ્ધનાથ મહાદેવની સ્થાપના કરી હતી. આ મંદિર ખાતે અન્ય દેવી-દેવતાઓના પણ મંદિરો છે.
હજારો ભક્તો શિવજીના દર્શન માટે આવે છે
આ પૌરાણિક સિદ્ધરૂદ્ર (સિદ્ધનાથ) મહાદેવ મંદિર ભરૂચ જિલ્લામાં નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં શિવ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. આ મંદિરે દૂર દૂરથી ભક્તો આવી કુંડમાં સ્નાન કરી શિવજી તેઓની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરે છે અને અનેક લોકોની મનોકામના પૂર્ણ થતી હોવાની પણ માન્યતા છે.જેથી આ મંદિરે હજારો ભક્તો દર્શન માટે આવતા હોય છે.શિવરાત્રી તેમજ શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.
સ્નાન કરવાનું અનેરૂં મહત્વ
રૂદ્રકુંડમાં સ્નાન કરી મહાદેવની પૂજા કરવાથી બ્રહ્મ હત્યાના પાપ મુક્તિ મળતી હોવાની માન્યતા આ સ્થળે સ્વયંભુ સિદ્ધરુદ્ર (સિદ્ધનાથ ) સ્થિત રૂદ્રકુંડમાં સ્નાન કરી મહાદેવની પૂજા કરે તો બ્રહ્મ હત્યાનું પાપ નષ્ટ થાય તેવી પણ માન્યતા છે. કુંડની બાજુમાં સિદ્ધનાથ મહાદેવનું શિવાલય આવેલું છે. કુંડની બાજુમાં જ રૂદ્રેશ્વર મહાદેવનું શિવલિંગ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર