- બે જૂનિયર એન્જિનિયરોએ 80ના સ્ટાફ સાથે રજાના દિવસે ફરજ બજાવી
- સવારે સાડા 5 કલાક વિજળીના અભાવે 20 ગામના લોકો પરસેવે રેબઝેબ
- કામગીરી દરમિયાન હાજર ન રહ્યા તે બાબત કર્મચારીઓમાં અને શહેરમાં ચર્ચાનો વિષય હતો
બાયડ ટાઉન અને સબ સ્ટેશન હેઠળના 20 ગામોમાં આજે સવારથી મેન્ટેનન્સનો વિજકાપ સાડા પાંચ કલાક રહેતાં લોકો પરસેવે રેબઝેબ થયા હતા. બીજી તરફ રજાના દિવસે યુજીવીસીએલના 2 જુનીયર એન્જિનિયરોએ 80ના સ્ટાફ સાથે મેન્ટેનન્સની કામગીરી આટોપી હતી પણ કચેરીના અધિકારી એવા ડેપ્યુટી એન્જિનિયર ગાયબ રહેતાં ચર્ચાનો વિષય બન્યો હતો.
બાયડમાં આજે સવારે 6:00 વાગ્યાથી 4 કલાકનો યુજીવીસીએલએ ચોમાસા પહેલાં મેન્ટેનન્સ માટે નિર્ધારીત વિજકાપ જાહેર કર્યો હતો. યુજીવીસીએલ બાયડ કચેરીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાયડ ટાઉન, સંજીવની અર્બન, શિવમ જ્યોતીગ્રામ એમ ત્રણ ફિડરોના મેન્ટેનન્સની, સ્વીચ, જમ્પર, લુઝ વાયર ખેંચવાનું, નવા વીજ થાંભલા ઉભા કરવાનું, વીજ તારને નડતરરૂપ વૃક્ષોના ટ્રીમિંગની કામગીરી સહિતના ચોમાસા પહેલાંના મેન્ટેનન્સ કામ માટે આજે બીજો શનિવારની રજા હોવા છતાં બે જુનીયર એન્જિનિયરો, 80નો સ્ટાફ સવારે 6:00 વાગ્યાથી કામે લાગ્યો હતો.
લગભગ 11:30 કલાકે વીજળી પરત ફરી હતી. પરંતુ બાયડ યુજીવીસીએલ કચેરીના ડેપ્યુટી એન્જિનિયર તેમના હાથ નીચેના બે જુનીયર એન્જિનિયરોના માથે મેન્ટેનન્સની અઘરી કામગીરી નાખી કાયદેસરની રજા છોડી ન હતી અને કામગીરી દરમિયાન હાજર ન રહ્યા તે બાબત કર્મચારીઓમાં અને શહેરમાં ચર્ચાનો વિષય હતો.
કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદારી કોની ?
શહેરમાં ચાલતી ચર્ચાઓ મુજબ બાયડમાં યુજીવીસીએલ કચેરીના ડેપ્યુટી એન્જિનિયર તબીયારની બદલી થઈ અને ગત માર્ચની 15મીએ તેમણે ચાર્જ છોડયો પછી કે.આર. ડાભીને ડેપ્યુટી એન્જિનિયરની જવાબદારી સોંપાઈ છે. પરંતુ તેઓ ફરજ નિભાવવા નિયમીત આવતા ન હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે. આજે મેન્ટેનન્સની કામગીરી સમયે કોઈ દુર્ઘટના બની હોત અને કોઈ કર્મચારીને કે સામાન્ય લોકોને ઈજાઓ થઈ હોત તો જવાબદારી કોની ? તેવા સવાલો ઉઠયા હતા.