- સ્ટેશને બસમાંથી ઉતરી કાપડના થેલામાં બિયરની 32 બોટલો લઈ જતાં પકડાય
- બોટલો પોતાની સાસુએ વેપાર કરવા મગાવી હોવાનો ખુલાસો કર્યો
- થેલામાંથી રૂ. 5280ની કિંમતની બિયરની 32 બોટલો મળી આવી હતી
અરવલ્લી જિલ્લા પોલીસે દારૂની હેરાફેરીના ધંધા સાથે સંકળાયેલી મહિલા બૂટલેગરોને આવા ગેરકાયદે કામમાંથી મુક્તિ અપાવવા અને તેમને અન્ય વ્યવસાયમાં વાળવાના કરેલા પ્રયાસોને ફટકો પડયો હોય તેમ બાયડ બસ સ્ટેશન પાસેથી એક મહિલા બૂટલેગર બિયરના 32 ટીન સાથે ઝડપાઈ ગઈ હતી.
થોડા સમય પહેલાં બાયડ પોલીસ સ્ટેશને વિદેશી દારૂનો, દેશી દારૂ ગાળવાનો ધંધો કરતી મહિલા બૂટલેગરોને સમજાવી આવા ગેરકાયદે કામ બંધ કરી અન્ય વ્યવસાય અપનાવવાના સોગંધ લેવડાવ્યા હતા. પરંતુ તેની ઝાઝી અસર થઈ ન હોવાનું ફલિત થઈ રહ્યુ છે. બાયડ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ બાયડ પોલીસના જવાનો ગતરોજ શુક્રવારે સવારે બસ સ્ટેશન ખાતે વોચમાં હતા. બસ સ્ટેશનમાં મોબાઈલ ચોરી, ચેઈન સ્નેચીંગ વગેરે ચોરીના બનાવો બનતા બસમાંથી ચઢતાં ઉતરતાં મુસાફરો પર નજર રાખી રહ્યા હતા. આ સમયે બસમાંથી એક મહિલા કાપડનો થેલો લઈ બસ સ્ટેશનમાંથી રિક્ષા સ્ટેન્ડ પાસે જતી જણાઈ હતી. તેની શંકાસ્પદ હિલચાલ જણાતા તેને અટકાવી પુછપરછ કરતાં તેણે તેનુ નામ આરતી પ્રેમ જીતુ સલાટ (રહે. ભુખેલ રોડ, બાયડ) હોવાનું જણાવ્યું હતુ. તેના થેલામાંથી રૂ. 5280ની કિંમતની બિયરની 32 બોટલો મળી આવી હતી. પુછપરછમાં તેણે તેની સાસુ દિપીકા જીતુ રામા સલાટ (રહે. ભુખેલ રોડ, બાયડ)એ છુટક વેચવા બોટલો મગાવી હોવાનો ખુલાસો કર્યો હતો. પોલીસે બંન્ને સાસુ- વહુ બૂટલેગરો સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.