- કપડવંજના ઢેકિયાના મુવાડામાં પરણાવેલી યુવતીએ બાયડ પોલીસમાં ફરિયાદ નોંધાવી
- પતિ રોજ રાત્રે નશો કરીને આવતો અને પત્ની પર અત્યાચાર ગુજારતો હતો
- બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાસરિયાં રૂ. 20 લાખનું દહેજ માગતા હતા.
બાયડના બોરટીંબા ગામની પરિણીતાને કપડવંજના ઢેકીયાના મુવાડાના સાસરિયાંએ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતાં તેણે બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાસરિયાં રૂ. 20 લાખનું દહેજ માગતા હતા. પરિણીતાને છેલ્લા બે વર્ષથી હેરાન- પરેશાન કરતાં હતા. આ મામલે પોલીસે સાસરિયાં વિરૂદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
બાયડ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર, બાયડ તાલુકાના બોરટીંબા ગામના શનાભાઈ પરમારની દીકરી શર્મિષ્ઠાબેનને બે વર્ષ પહેલાં સમાજના રિત રિવાજ મુજબ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઢેકીયાના મુવાડા ગામે લિંકન મફતભાઈ ઝાલા સાથે પરણાવી હતી. શરૂઆતમાં થોડા દિવસ બધું સમુસુતરું ચાલ્યું હતું. પરંતુ ત્યાર બાદ સાસરિયાંએ અસલ રંગ બતાવવાનું શરૂ કર્યું હતું. પરિણીતાની ફરિયાદ મુજબ છેલ્લા બે વર્ષથી પતિ સહિત સાસરિયાં પરિણીતા ઉપર શારીરિક તેમજ માનસિક અત્યાચાર ગુજારતા હતા. માત્ર એટલું જ નહી પણ પતિ રોજ રાત્રે નશો કરીને આવતો હતો અને ત્રાસ ગુજારતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આટલું ઓછું હોય તેમ પતિ અને સાસરિયાં દ્વારા રૂ. 20 લાખના દહેજની માગણી કરવામાં આવતી હતી. છેવટે સહનશક્તિની હદ આવતાં પરિણીતાએ સાસરિયાંને સબક શીખવવાનું શરૂ કર્યું હતું. આ મામલે પરિણીતાની ફરિયાદના આધારે બાયડ પોલીસે આરોપી પતિ લિંકન મફતભાઈ ઝાલા (રહે. ઢેકીયાના મુવાડા, તા. કપડવંજ, જિ.ખેડા) સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે સાસરિયાં વિરૂદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ સાસરીયાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.