- બાયડ સામાડિક વનીકરણ વિભાગ ઘોર નિદ્રામાં અને વિરપ્પનોને છૂટો દોર અપાયો હોવાની રાવ ઊભી થઈ
- ઉનાળાની કાળઝાળ ગરમીમાં છાંયડા થકી શીતળતાં બક્ષતા વૃક્ષોને ધરાશાયી કરવાની પ્રવૃત્તિ ફૂલીફાલી
- સાઠંબા ત્રણ રસ્તા નજીક હાઈ- વેની બાજુમાં આવેલા વૃક્ષો ધરાશાયી કરી દેવામાં આવ્યાં
પર્યાવરણ બચાવો વૃક્ષો વાવોની ગુલબાંગો વચ્ચે વૃક્ષોની કતલ બેરોકટોક જારી છે. ત્યારે મોડાસા- નડિયાદ હાઈ- વે પર બાયડ નજીક સાઠંબા ત્રણ રસ્તે રોડ સાઈડમાં વૃક્ષછેદન કરવામાં આવ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. ફરીથી બાયડનો સામાજીક વનીકરણ વિભાગ શંકાના દાયરામાં આવ્યો છે.
બાયડ- વાત્રક રોડ પર સુંદરપુરા કેનાલની સમાંતરે જતાં માર્ગ પર ગત વર્ષે સપ્ટેબર મહિનામાં થયેલાં વૃક્ષછેદન પ્રકરણમાં સામાજીક વનીકરણના આરએફઓ અને ફોરેસ્ટર સામે ખેડૂતોએ જેમ વાડ ચીભડાં ગળે તેમ વૃક્ષો કાપી નાખ્યા હોવાના અને બંન્ને જવાબદાર અધિકારી, કર્મચારી દ્વારા વ્યાપકપણે સરકારી યોજનાઓમાં ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો છતાં તપાસના અને ખેડૂતોના જવાબ લેવાના નામે ચલકચલાણું ચાલતું હોવાની લાગણી પ્રવર્તી રહી છે. ત્યાં સાઠંબા ત્રણ રસ્તા નજીક હાઈ- વેની બાજુમાં આવેલા વૃક્ષો ધરાશાયી કરી દેવામાં આવ્યાં હોવાની ફરિયાદો સ્થાનિકોમાં ઉઠી છે. પર્યાવરણનો અને વૃક્ષોનો સોથ વાળી દેવાના ખુદ જવાબદારો સામે ગંભીર આક્ષેપો થયા હોય ત્યારે વિરપ્પનોને છુટો દોર આપવામાં આવ્યો હોય તેવી લાગણી વૃક્ષ પ્રેમીઓમાં પ્રવર્તી રહી છે.
સાઠંબા ત્રણ રસ્તા પાસે થયેલાં વૃક્ષછેદન પ્રકરણમાં વિરપ્પનો સામે ગુનો નોંધવામાં આવ્યો છે કે કેમ ? તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ ? તેને લઈને બાયડ તાલુકાના વૃક્ષ પ્રેમીઓએ સવાલો ઉઠાવ્યા છે.