- નગરપાલિકાએ ગંદકી ફેલાવવા બદલ ફ્લેટના સત્તાધીશોને નોટિસ ફટકારી હતી
- ફ્લેટના રહીશોએ બાયડ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું : કાર્યવાહી કરવા માગ
- 24 ફ્લેટમાં એક જ દટણ બનાવ્યું છે. જે ઉભરાઇ જવાથી ગંદુ પાણી ફ્લેટના કોમન પ્લોટમાં જાય છે
બાયડના નંદનવન ફ્લેટના રહીશોએ સ્કીમના બિલ્ડર સામે આક્ષેપો કરી નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે. જેમાં બિલ્ડરોએ રહીશોને સુવિધાઓથી વંચીત રાખ્યાના આક્ષેપો કર્યા છે.
ફ્લેટના રહીશોએ બાયડ પાલિકાના ચીફ ઓફિસરને સુપરત કરેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, નંદનવન ફ્લેટના બિલ્ડરો જોશી ચૂનીપ્રસાદ લક્ષ્મીશંકર, પટેલ મનુભાઇ શિવુભાઇ, પટેલ ડાહ્યાભાઇ માવાભાઇ, પરમાર મનહરસિંહ મોહનસિંહ, ભરતભાઇ સોલંકી, જીતુભાઇ સોલંકી વગેરે દ્વારા પાર્કિંગ, લિફ્ટ, ગેટ, ખાળકૂવા, ફાયર સેફ્ટી, મીટર, લાઇટ ફીટીંગ જેવી કોઇ જ સુવિધાઓ આપી નથી. પાર્કિંગમાં ગેરકાયદે બે મકાન બનાવ્યાં છે. મકાનનાં પજેશન આપ્યાં નથી. પીવાના પાણીની સુવિધા પણ આપી નથી. આ બાબતે ફ્લેટના રહીશોએ વારંવાર રજુઆતો કરવા છતાં બિલ્ડરો તેમનું સાંભળવા તૈયાર નથી. 24 ફ્લેટમાં એક જ દટણ બનાવ્યું છે. જે ઉભરાઇ જવાથી ગંદુ પાણી ફ્લેટના કોમન પ્લોટમાં જાય છે. જેથી અહીં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઇ છે. બિલ્ડરો પૈકીના બે ઝનુની સ્વભાવના છે. રજુઆત કરવા જતાં રહીશો સાથે ખરાબ વર્તન કરે છે. આ અંગે કાર્યવાહી કરવા જણાવાયું છે. નોંધનીય છે કે, પાલિકાએ નંદનવન ફ્લેટને ગંદકી ફેલાવવા બદલ નોટીસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરી હતી.