અરવલ્લી જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગે જેસીબીના બદલે અન્ય વાહનો દર્શાવી સરકારને અધધધ કહી શકાય તેટલો રૂ. 79 લાખનો ચૂનો ચોપડયો હતો. જેનો ઓડીટમાં પર્દાફાશ થયા બાદ અરવલ્લીમાં ચકચાર મચી જવા પામી હતી.
આગામી સમયમાં આ કૌભાંડનો રેલો કેટલાય ભ્રષ્ટ અધિકારીઓના પગ નીચે આવી શકે છે. ત્યારે બીજી તરફ પંચાયત માર્ગ-મકાન વિભાગના અમુક ભ્રષ્ટ અધિકારીઓ હવાલાથી કટકીના રૂપિયા લેતા હોવાની લોકોમાં ચર્ચાઓ ઊઠતાં હડકંપ મચી ગયો છે. ગુજરાતના મુખ્યમંત્રી અરવલ્લી જિલ્લાને ભ્રષ્ટાચારી અધિકારીઓમાંથી મુક્તિ અપાવે તેવી માગણીઓ ઉઠી છે. અરવલ્લી જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગમાં દલા તરવાડીની નીતિ જોવા મળી રહી છે. અમુક ભ્રષ્ટ અધિકારીઓ રિંગણા લઉં બે-ચાર, ભાઇ લઈ લોને દસ-બાર જેવી નીતિ અખત્યાર કરી રહ્યા હોવાની ચર્ચાઓ ઊઠી રહી છે. લોકોમાં ચાલતી ચર્ચાઓ મુજબ, માર્ગ-મકાન પંચાયતના બે ડિવીઝનની 50 મેજરમેન્ટ બુક (એમબી) ગૂમ કરી દેવામાં આવી છે. રોડ મરામતનાં કામ ક્યાં કેટલાં થયાં, કેટલા રોડ સાઇડ જંગલ કટિંગનાં કામો થયાં? તેની સ્થળ તપાસ કર્યા વિના એજન્સીઓને રકમ ચૂકવી દેવામાં આવી હોવાની ચર્ચાઓ ઊઠી રહી છે. જિલ્લા સેવા સદનમાં ચાલતી ચર્ચાઓ મુજબ, વગર કામો કર્યે 60 ટકા રકમ એજન્સીઓ- કોન્ટ્રાક્ટરોને ચૂકવી 40 ટકા રકમ અમુક ભ્રષ્ટ અધિકારીઓ પોતાના ખિસ્સામાં સરકાવી લેતા હોવાની બૂમો ઊઠી છે. આ પ્રકારે છેલ્લા પાંચ-સાત વર્ષમાં જ આશરે રૂ. 7 કરોડથી વધુ રકમનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ જોરશોરથી ઊઠી રહી છે. લોકોમાં ચાલતી ચર્ચાઓ મુજબ, ભ્રષ્ટ અધિકારીઓ હવાલાથી રૂપિયા લઈ રહ્યા છે. હવાલાથી રૂપિયા લેનારા અધિકારીઓ કોણ છે ? તેવા સવાલો જનતા ઊઠાવી રહી છે. ઈડી દ્વારા તપાસ કરવામાં આવે તો કૌભાંડી અધિકારીઓના હવાલા રેકેટનો ભાંડો ફૂટે તેમ છે.
હવાલાથી તગડા પૈસા લેનારા અધિકારીઓ સામે ઈડી તપાસનો સકંજો કસે તો છેલ્લા પાંચ-સાત વર્ષમાં સરકારની તિજોરીમાંથી કેટલા રૂપિયા ઉસેડવામાં આવ્યા તેનો પર્દાફાશ થઈ શકે તેમ હોવાની ચર્ચાએ જોર પકડયું
50 મેજરમેન્ટ બુક ગાયબ કરનાર કોણ ? ચર્ચાઓ ઊઠી
જિલ્લા પંચાયત હસ્તકના જિલ્લામાં રસ્તાના પુરાણના કામમાં, રોડ સાઇડ જંગલ કટિંગના કામોમાં મનમાની ચલાવીને એજન્સીઓના માણસોને 50 જેટલી મેજરમેન્ટ બૂકો આપી દેનાર કૌભાંડી કોણ ? તેવા સવાલો જનતા ઊઠાવી રહી છે. ક્યાં કાગળ ઉપર રસ્તા બનાવવામાં આવ્યા, ક્યાં કાગળ ઉપર ખાડાઓનું પૂરાણ કરવામાં આવ્યું તેની તપાસ કરવામાં આવે તેવી માગણીઓ ઉઠી છે.
ભારે વરસાદ છતાં ઇમરજન્સી વર્કનાં કામો અદ્ધરતાલ
જિલ્લામાં તાજેતરના દિવસોમાં ધોધમાર વરસાદ પડયો છે. ત્યારે જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગે ઇમરજન્સી વર્કનાં કામો કેમ શરૂ કર્યાં નથી ? તેવી ફરિયાદો ઉઠી છે. ખાડાં પુરવાના, પેચ વર્કનાં, રોડ સાઇડ જંગલ કટીંગનાં કામો ન થતાં જિલ્લાના અંતરિયાળ ગામોમાં વસતી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ કામો કર્યા વિના જ સીધાં બિલો મંજૂરી કરી સરકારની તિજોરી ખાલી કરવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી છે.
અધિકારીના મલેશિયા, થાઈલેન્ડ પ્રવાસની ચર્ચા !!!
અરવલ્લી જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગમાં ભ્રષ્ટાચારે અજગરી ભરડો લીધો છે. કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓના રૂપિયે કયા ભ્રષ્ટ અધિકારી મલેશિયા અને થાઈલેન્ડના પ્રવાસે જઈ આવ્યા ? તેની તપાસ કરવામાં આવે તેવું જિલ્લાની જનતા ઈચ્છી રહી છે. બે-બે કરોડ રૂપિયાના બ્રિજના કામોમાં 80 લાખનું માર્જિન રાખીને સરકારની તિજોરીને કરોડોનો ચૂનો કયા કૌભાંડી અધિકારી ચોપડી રહ્યા છે ? તેની તપાસ કરાવામાં આવે તેવું જિલ્લાવાસીઓ ઈચ્છી રહ્યા છે.