ભારત – પાકિસ્તાન વચ્ચે ચાર દિવસથી ચાલતા તણાવને દૂર કરીને બંને દેશો વચ્ચે યુધ્ધવિરામ માટે બેક ચેનલ ડિપ્લોમસી કામયાબ રહી છે. અમેરિકા, સાઉદી અરેબિયા, ઇરાન સહિતના દેશોની ભૂમિકા મહત્વની રહી હતી. 7 મી તારીખે ભારતે પાકિસ્તાનમાં ઘુસીને ઓપરેશન સિંદૂર શરૂ કર્યું ત્યારથી જ અમેરિકા, સાઉદી અરેબિયા, ઇરાન વગેરે એ રાજદ્વારી ચેનલ દ્વારા તણાવ ઘટાડવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા.
ભારતના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો કારગીલ યુધ્ધ પછી સ્પષ્ટ થયું હતુંકે, ભારત – પાક. વચ્ચે સંઘર્ષમાં અમેરિકાની રાજનીતિનું – કૂટ નીતિના દબાણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
આવી જ રીતે 2019 માં પણ બાલાકોટની ઘટના વખતે પણ બહાર આવ્યું હતુંકે, અમેરિકાએ બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે દબાણ કર્યું હતું. જોકે ભારતનું વલણ કોઇ પણ રીતે કોઇ પણ દેશની મધ્યસ્થતા નથી ઇચ્છતું એવું રહ્યું હતું. અમેરિકા છેલ્લા ઘણા સમયથી ભારતની આર્થિક તાકાત અને વિશ્વમાં ભારતના દબદબાનું મહત્વ ઓછું આંકતું નથી. આથી અમેરિકાએ ઘણી વખત ભૂતકાળમાં તે ભારત સાથે છે તેવા નિર્દેશ આપ્યા હતા. છેલ્લા દાયકામાં ઘણી વાર આતંકવાદના મુદ્દે પાક. વિરૂધ્ધ અવાજ ઉઠાવ્યો હતો.
છેલ્લા 48 કલાકથી અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સતત પ્રયત્નશીલ રહ્યા હતા.જે અંગે ખુદ માર્કો રૂબિયોએ ટ્વીટમાં જણાવ્યું હતું. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સે ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શેહબાજ શરીફ , વિદેશમંત્રી એસ.જયશંકર, પાકિસ્તાનના લશ્કરી વડા આસિમ મુનિર, ભારતના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને પાક.ના અસિમ મલિક સાથે વાટાઘાટો કરી હતી. અમેરિકાના ભારત સાથેના આર્થિક અને રાજદ્વારી સંબંધો મજબૂત છે.
આ અગાઉ ગુરૂવારે નવીદિલ્હી ખાતે સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી આદેલ અલ જુબૈરે ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરની સાથે વાટાઘાટો કરી ભારતનો દ્રષ્ટિકોણ જાણ્યો હતો. ત્યાર બાદ શુક્રવારે તેઓ પાકિસ્તાન ગયા હતા અને ત્યાંના રાજકીય નેતાઓ સાથે વાટાઘાટો કરી હતી. સાઉદી અરબ માટે ભારત અને પાકિસ્તાન બંને મહત્વના ભાગીદાર હોવાથી બંનેને મહત્વ આપે છે.
ઇરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર સાથે આ સપ્તાહના પ્રારંભે પાકિસ્તાનમાં બેઠક યોજી હતી. ત્યાર બાદ તેઓ 7 મીની રાત્રે ભારત આવ્યા હતા અને તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે બેઠક યોજી હતી.
આજે સવારે પણ સાઉદી અરબના વિદેશ મંત્રી ફૈસલ બિન ફરહાને ભારત અને પાકિસ્તાનના સાથેના તેમના ઘનિષ્ટ અને સંતુલિત સંબંધોને ધ્યાનમાં રાખીને બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે અને ચાલતા સૈન્ય સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રયાસો પર ચર્ચા કરી હતી. આજે તેમણે ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર અને પાક.ના વિદેશ મંત્રી ઇશાક ડાર સાથે ફોન પર વાત કરી હતી.