શહેરના સંગમ ચાર રસ્તાથી હરણી ગદા સર્કલ સુધી ગૌરવ પથ બનાવવાનુ કામ વિવાદમાં આવ્યુ છે. સ્થાયી સમિતિમાં રૂ.80 લાખનો વધારાનો ખર્ચ કરવા માટેની દરખાસ્ત નામંજૂર કરાઈ હતી અને અગાઉની ડિઝાઈન પ્રમાણે કામગીરી કરવા નિર્ણય લેવાયો હતો. ત્યારે તે કામ શરૂ થતા ભાજપના જ કોર્પોરેટરે વિરોધ કરીને તેને અટકાવતા વધુ એક વિવાદનુ ઘર થયુ હોવાનું જાણવા મળે છે.
રાજ્ય સરકારે ગૌરવ પથનો અભિગમ આપેલો છે. ત્યારે શહેરના સંગમ ચાર રસ્તાથી એરપોર્ટ સર્કલ થઇ હરણી તળાવ સુધીનો ગૌરવપથ રૂ.5.77 કરોડના ખર્ચે બનાવવાનો હતો. તેમાં સરકારની યોજના અંતર્ગત સંગમ ચાર રસ્તાથી એરપોર્ટ સર્કલ થઈ હરણી તળાવ સુધીનો ગૌરવપથ બનાવવાના કામ અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મૂકાતા મંજૂરી આપી દેવાઈ હતી અને ગૌરવ પથનુ કામ શરૂ કરી દેવાયું હતું.
બીજી તરફ, માંજલપુરના ધારાસભ્યએ મોટામોટા ફૂટપાથ નાના કરવા તેમજ એક જ સાઈઝના ફૂટપાથ બનાવવાની માગણી કરી હતી. જે પછી મ્યુનિ.કમિશનરે પરિપત્ર કર્યો હતો. જેથી ગૌરવ પથના કામમાં જે 1.20 મીટરનો ફૂટપાથ બનાવવાનું નક્કી થયું તે પ્રમાણે સંગમ ચાર રસ્તાથી હરણી તળાવ ગદા સર્કલ સુધીના ફૂટપાથ નાનો થયો હતો. જેથી રૂા.80 લાખનો ખર્ચ વધે તેવો હતો. જે અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિએ નામંજૂર કરી હતી. આખરે ગૌરવપથમાં અગાઉની ડિઝાઇન પ્રમાણે પાંચ મીટરના ફૂટપાથ રાખવાનું નક્કી કરાયું હતું.પરંતુ પાંચ મીટરના ફૂટપાથની કામગીરી શરૂ થતા જ ભાજપના જ કોર્પોરેટરે તેનો વિરોધ શરૂ કર્યો છે અને તે કામ અટકાવી દીધુ હોવાનુ જાણવા મળે છે.
ગોરવપથની કામગીરી શરૂ થતા તેને અટકાવી દેવામાં આવી છે. જેથી તે કામ આગળ વધતુ નથી. આમ પણ ગૌરવ પથનુ કામ જ્યારથી હાથ પર લેવાયુ છે ત્યારથી કોઈને કોઈ કારણોસર વિવાદ સર્જાયા કરે છે. ત્યારે ફરી એક વાર આ કામ અટવાતા હવે સ્થાનિક રાજકારણમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યુ છે અને ભાજપમાં વિવાદનુ ઘર થયુ છે. આખરે આ ગૌરવ પથનુ કામ ક્યારે પૂર્ણ થશે તે પણ એક પ્રશ્ન છે.