નવી દિલ્હી13 મિનિટ પેહલા
- કૉપી લિંક
દેશની સરકારી બેંકો (PSB)એ ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાની સંપત્તિ વેચીને 14,131.60 કરોડ, ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી પાસેથી 1,052.58 કરોડ અને મેહુલ ચોકસી અને અન્ય પાસેથી 2,565.90 કરોડ રૂપિયાની વસૂલી કરી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં આ માહિતી આપી હતી. નાણામંત્રીએ કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ કેટલાક મોટા કેસમાંથી કુલ 22,280 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે.
સરકારે કરેલી રિકવરી
ફ્રોડ કરનાર | રિકવરી (કરોડમાં) |
વિજય માલ્યા | 14,130.60 |
નીરવ મોદી | 1,052.58 |
મેહુલ ચોક્સી અને અન્ય | 2,565.90 |
NSEL સ્કેમ | 17.47 |
SRS ગ્રુપ | 20.15 |
રોઝ વેલી ગ્રુપ | 19.40 |
સૂર્યા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ | 185.13 |
નોહરા શેખ અને અન્ય(હીરા ગ્રુપ) | 226 |
નાયડુ અમૃતેશ રેડ્ડી અને અન્ય | 12.73 |
નફીસા ઓવરસીઝ અને અન્ય | 25.38 |
ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ | 4,025 |
વિજય માલ્યા 2016માં ભારતથી ભાગી ગયો હતો
કિંગફિશર એરલાઇન્સ સંબંધિત નાણાકીય ગેરરીતિઓના આરોપો વચ્ચે ઉદ્યોગપતિ અને પૂર્વ સાંસદ વિજય માલ્યા 2016માં ભારત છોડીને યુકે ભાગી ગયા હતા. 5 જાન્યુઆરી 2019ના રોજ વિજય માલ્યાને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. માલ્યા સામે છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસ પેન્ડિંગ છે. ભારત સરકાર તેને દેશમાં પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે.
મેહુલ ચોક્સી પર 14 હજાર કરોડથી વધુના કૌભાંડનો આરોપ
ગીતાંજલિ જેમ્સના પૂર્વ ચેરમેન મેહુલ ચોક્સી અને નીરવ મોદી પર મુંબઈમાં પંજાબ નેશનલ બેંકની બ્રેડી હાઉસ શાખામાં 14 હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડનો આરોપ છે. બેંક અધિકારીઓ સાથે મળીને 2011 અને 2018 વચ્ચે નકલી લેટર્સ ઓફ અંડરટેકિંગ્સ (LOU) દ્વારા વિદેશી ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. અત્યારે બંને દેશની બહાર છે.
2017માં એન્ટિગુઆ-બાર્બુડાની નાગરિકતા લીધી
મેહુલ ચોક્સી જાન્યુઆરી 2018માં વિદેશ ભાગી ગયો હતો. બાદમાં જાણવા મળ્યું કે તેણે 2017માં જ એન્ટિગુઆ-બાર્બુડાની નાગરિકતા લીધી હતી. આ કૌભાંડની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી એજન્સીઓ ચોક્સીના પ્રત્યાર્પણનો પ્રયાસ કરી રહી છે.
મેહુલ ચોક્સીએ ખરાબ તબિયતને ટાંકીને ભારતમાં હાજર થવાનો ઇનકાર કર્યો છે.ભારતમાં તેની ઘણી મિલકતો પણ જપ્ત કરવામાં આવી છે.