બનાસકાંઠાના ધાનેરામાં પોષ ડોડા ભરેલું કન્ટેનર ઝડપાયું છે. ધાનેરા પોલીસે નેનાવા બોર્ડર પરથી પોષ ડોડા ભરેલુ કન્ટેનર ઝડપ્યું છે. વાહન ચેકિંગ દરમિયાન ઝારખંડથી રાજસ્થાન જતા કન્ટેનરમાંથી પોષ ડોડા ઝડપાયા હતા.
ઝારખંડથી રાજસ્થાન જતા કન્ટેનરમાંથી પોષ ડોડા ઝડપાયા
નેનાવા બોર્ડર પર પોલીસે કન્ટેનરનું ચેકીંગ કરતા તેમાં સૂકા મરચાની આડમાં પોસ ડોડા લઈ જવાતા હતા અને પોસ ડોડાના 66 કટ્ટા જેનું વજન 1310.190 કિલોગ્રામ હતું. આ સાથે જ ધાનેરા પોલીસે રૂપિયા 54,95,772ના મુદ્દામાલ સાથે 2 લોકોને ઝડપી લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ પણ શરૂ કરી છે.
ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, 36 લાખનો શંકાસ્પદ માવાનો જથ્થો કરાયો સીઝ
ડીસામાંથી શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપાયો છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રૂપિયા 36 લાખની કિંમતનો માવાનો જથ્થો સીઝ કર્યો છે. ઉલ્લેખનીય છે કે તહેવારોની સિઝન આવી રહી છે, ત્યારે બજારમાં ભેળસેળયુક્ત મીઠાઈનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે. જેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાજ્યભરમાં અખાદ્ય ચીજ વસ્તુઓ પકડવાની કામગીરી તેજ બનાવી છે. ત્યારે ડીસામાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં અખાદ્ય માવાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.
રિપોર્ટના આવે ત્યાં સુધી માવાનો જથ્થો શંકાસ્પદ ગણી સીઝ કરવામાં આવ્યો
ડીસામાં કોલ્ડ સ્ટોરેજમાં અખાદ્ધ માવાનો જથ્થો પડ્યો હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં ડીસા પાલનપુર હાઈવે પર આવેલા શ્રી કેસર કોલ્ડ સ્ટોરેજમાં મુકેલો માવાના જથ્થાના સેમ્પલ લીધા હતા. માવાનો જથ્થો શંકાસ્પદ જણાતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રૂપિયા 36 લાખની કિંમતનો જથ્થો સીઝ કર્યો હતો. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ટી.એચ.પટેલે જણાવ્યું હતું કે, શંકાસ્પદ માવાના બે સેમ્પલ લેવાયા છે. જે પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા છે. રિપોર્ટના આવે ત્યાં સુધી માવાનો જથ્થો શંકાસ્પદ ગણી સીઝ કરવામાં આવ્યો છે.