- ખેડૂતો અને માછીમાર સમાજનો વિરોધ છતાં પણ યોજના હવે સાકાર થશે
- નર્મદા નદી પર ભાડભુત બેરેજ બનાવવામાં આવી રહ્યો છે.
- સિંચાઈ તથા ઔદ્યોગિક હેતુ માટે જરૂરિયાત મુજબ પાણી ઉપલબ્ધ થશે
ભરૂચ જિલ્લામાં નર્મદા નદી પર ભાડભુત બેરેજ બનાવવામાં આવી રહ્યો છે. એક સરકારી રીલીઝ મુજબ અંદાજીત રૂપિયા 5,300 કરોડના ખર્ચે બાંધવામાં આવનાર આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ઉદ્યોગો અને કૃષિ માટે શુધ્ધ પાણી પુરો પાડવાનો અને દરિયાના ખારા પાણીના નર્મદાને ખારી બનાવતા રોકવાનો છે. જોકે આ યોજના સાકાર થાય એના પરિણામો શું હશે એ જોવું રહ્યું.
ભાડભૂત બેરેજ યોજનાનાં મુખ્ય લાભો મુજબ 599 મિલિયન ઘનમીટર મીઠા પાણીનો સંગ્રહ કરતા જળાશયનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં પીવાના, સિંચાઈ તથા ઔદ્યોગિક હેતુ માટે જરૂરિયાત મુજબ પાણી ઉપલબ્ધ થશે. સમુદ્રની ભરતીના પાણી શુકલતીર્થ સુધી પ્રવેશતાં અટકશે જેથી ખારાશની સમસ્યા હલ થશે તેમજ ભૂગર્ભજળની ગુણવત્તા પણ સુધરશે. નર્મદા નદીના બન્ને કાંઠે અંદાજે 20 કિલોમીટર લંબાઈના પૂરસંરક્ષણ પાળા થવાથી પૂરથી થતા નુકસાનને નિયંત્રિત કરી શકાશે અને ડાબા કાંઠે ધોવાણ અટકશે. નર્મદા નદી ઉપર બેરેજ અને 6 માર્ગીય બ્રિજ થવાથી સુરત (હજીરા)-ઓલપાડ-હાંસોટ-દહેજના માર્ગ અંતરમાં અંદાજિત 37 કિલોમીટરનો ઘટાડો થશે, જેનાથી સમય અને ઇંધણની બચત થશે.
નિર્માણાધીન ભાડભુત ડેમનો ઉદ્દેશ નર્મદા નદીના પાણીની ગુણવત્તાને દરિયાની ખારાશથી ઊંચી ભરતી વખતે બચાવવા, પૂરને રોકવા તેમજ દહેજ, અંકલેશ્વર, સાયકા વિસ્તારના ઔદ્યોગિક એકમોની પાણીની જરૂરિયાતને સંતોષવાનો છે.
ખંભાતના અખાતમાં નર્મદા નદીના દક્ષિણ છેડે બનેલા દહેજ બંદર રાજ્યનું સૌથી ઝડપથી વિકસતું બંદર છે. દહેજ પીસીપીઆઈઆરની રચના બાદ અહીં ઔદ્યોગિક ગતિવિધિઓ તેજ બની છે. સુરત અને અમદાવાદથી અહીં ટ્રાફ્કિનું દબાણ વધ્યું છે. હાલના 6 લેન નેશનલ હાઈવે પર ઘણીવાર ટ્રાફ્કિ જામની સ્થિતિ સર્જાય છે.
અંદાજે 30 કિમી લાંબો ભાડભુત બેરેજ સુરત, હાંસોટ, ભાડભુત અને દહેજ વચ્ચે 6 લેનનો કોસ્ટલ રોડ બનાવશે. જે નર્મદાના ઉત્તર અને દક્ષિણ છેડાને જોડશે. આ યોજનાના કારણે પાણી અને ટ્રાફ્કિ બંને સમસ્યા હલ થવાની આશા સેવાઈ રહી છે.
ભાડભૂત બેરેજ સામે માછીમારો સાથે ખેડૂતોનો પણ આક્રોશ
ભડભૂત બેરેજ યોજના સામે એક તરફ્ મીઠા પાણીના આનંદ અને નર્મદા શુદ્ધિકરણનો આનંદ સૌને છે તો બીજી તરફ્ માછીમારો અને જે ખેડૂતોની જમીન સંપાદનમાં કઈ છે એ લોકોનો વિરોધ પણ જોવા મળ્યો છે. માછીમારોને ભડભૂત બેરેજ યોજનાથી માછીમારીને નુકસાન થવાનો અદેશો છે. તો ખેડૂતોને આ યોજનામાં સંપાદિત થયેલી જમીન માટે પૂરતા ભાવ ન મળ્યા હોવાનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. બધા અવરોધોને પાર કરી હવે આ યોજના નિર્માણાધિન છે ત્યારે હવે આગામી દિવસોમાં એના શું પરિણામ થશે એ જોવું રહ્યું.