- NH 48 ઉપર 7 અંડરપાસ, 10 ફૂટઓવર બ્રિજ બનાવાશે
- 17 અકસ્માત ઝોન દુરસ્ત કરી 400 સ્ટ્રીટલાઈટ લગાવાશે
- ચોમાસામાં ટ્રાફિક જામના નિરાકરણ માટે NHAI સક્રીય બન્યું છે.
નેશનલ હાઇવે નંબર 48 ઉપર વધતા અકસ્માતો, ટ્રાફ્કિજામ અને ચોમાસામાં ઉદભવતી સમસ્યાના નિરાકરણ માટે NHAI એ કવાયત હાથ ધરી છે.
ભરૂચમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર હજારો વાહનચાલકોની સમસ્યાઓ ચોમાસુ ચાલુ થતા જ વિકરાળ બને છે. માર્ગના ઘોવણ અને ઠેર ઠેર ખાડા પડતા હાઇવે પર વાહનોની રફ્તાર પર આંશિક બ્રેક લાગી જાય છે.
વરસાદી મૌસમમાં ટ્રાફ્કિજામ અને અકસ્માતોની સમસ્યા પેચીદી બની જાય છે. જેના નિરાકરણ માટે NHAI દ્વારા મુંબઈ થી અમદાવાદ સુધી NH 48 પર વિવિધ કામગીરી હાથ ધરાઈ છે.
NH-48 ના મુંબઈ-અમદાવાદ વિભાગ પર ગંભીર સમસ્યાઓના ઉકેલ માટે તાત્કાલિક પગલાં શરૂ કરાયા છે. ટ્રાફ્કિને પહોંચી વળવા અને સુધારાઓની ઝડપી કામગીરી પૂર્ણ કરવા આયોજન કરાયું છે. એપ્રિલ 2025 સુધીમાં NH-48માં 7 નવા અંડરપાસ, 10 ફૂટઓવર બ્રિજ, 17 અકસ્માતગ્રસ્તને દુરસ્ત કરવા અને 9 કિલોમીટરમાં ન્યૂ જર્સી બેરિયર લગાવાશે. સાથે જ 400 નવી સ્ટ્રીટ લાઇટ્સ લગાવી, માર્કિંગની સુવિધા ઉભી કરાશે.