- રાજકોટના અગ્નિકાંડ બાદ તંત્ર એક્શનમાં
- કામદારોને વધુ મુશ્કેલી ન પડે તે માટે માત્ર ઓપીડી સેવા ચાલુ રાખવામાં આવી
- અંકલેશ્વર ખાતે આવેલી ESIC હોસ્પિટલને આગામી એક માસ સુધી તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સરકાર એક્શનમાં આવી છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી ESIC હોસ્પિટલને તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટના TRP ગેમઝોનની ગોઝારી ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જેની અસર હવે ભરૂચ જિલ્લામાં પણ જોવા મળી રહી છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં કામદારો માટેની એકમાત્ર ESIC હોસ્પિટલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હોસ્પિટલને દક્ષિણ ગુજરાત રિજનલ ઓફ્સિર સુરતના આદેશ અનુસાર ફાયર અને સેફ્ટી તથા ફાયર સાયરનના અભાવે તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇ હોસ્પિટલના 45 દર્દીઓ પૈકી ICUના પાંચ દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અને બાકીના દર્દીઓને દવા આપી અને વધુ સારવાર માટે કામદાર વીમા નિગમ સાથે જોડાયેલી હોસ્પિટલમાં મુલાકાત લેવા જણાવી દેવામાં આવ્યું છે.
100 બેડની અદ્યતન ESIC હોસ્પિટલનું ઉદઘાટન તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય શ્રામ રાજ્ય મંત્રી બંડારુ દત્તાત્રેયના હસ્તે તા.13 ફેબ્રુઆરી 2017માં કરવામાં આવ્યું હતુ. તેમ છતાં ફાયર સેફ્ટીના અભાવને પગલે હોસ્પિટલ તા.29, 5 2024થી આગામી સમય સુધી હોસ્પિટલ બંધ રાખવાના બોર્ડ લગાવી દેવામાં આવતા રોજિંદા 300 કર્મચારીઓના ચેકઅપ અને સારવાર પર અસર થવા જઈ રહી છે.
આ મામલે ESICના મેડિકલ સુપ્રિટેન્ડેડ પ્રમોદ એસ પનિકર દ્વારા જણાવાયું હતું કે હોસ્પિટલ લગભગ એક મહિના સુધી બંધ રહેશે. અને ESICના દર્દીઓએ કર્મચારી વીમા નિગમ સાથે જોડાયેલ હોસ્પિટલ, અંકલેશ્વરની સવસ્થમ્, કેન્સર માટે જયાબેન મોદી, ભરૂચમાં સિવિલ હોસ્પિટલ અને એપેક્ષ હોસ્પિટલ ખાતે સારવાર અને ચેકઅપ કરાવી શકાશે.
અંકલેશ્વરની ESIC હોસ્પિટલ બંધ કરવાનો નિર્ણય લેવાતા અનેક કામદારોએ મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે. પરંતુ કામદારોને વધુ મુશ્કેલી ન પડે તે માટે ઓપીડી સેવા શરૂ રાખવામાં આવી છે અને અહીં આવતા દર્દીઓનું ચેકઅપ કરી તેઓને અન્ય સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
ત્યારે આ હોસ્પિટલ વહેલી તકે શરૂ કરવામાં આવી તેવી કામદારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.