- અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદને પગલે જીઆઇડીસીની કંપનીમાં પાણી ભરાઇ ગયા હતા.
- જીઆઈડીસીની અનેક ફેક્ટરીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા
- મોટા ઉપરાંત નાના લઘુ અનેક ઉદ્યોગ એકમોમાં પણ વરસાદી પાણીએ વ્યાપક નુકશાન પહોચાડયુ હતુ
છેલ્લા ત્રણ દિવસોથી અંકલેશ્વર પંથકમાં અતિ ભારે વરસાદ ને કારણે સામાન્ય જનજીવન ઉપરાંત ઔદ્યોગિક વસાહતમાં અનેક ફેક્ટરીઓમાં વરસાદી પાણી ઘુસી જતા કરોડો રૂપિયાનું નુકશાન પહોંચ્યુ હોવાની આશંકા સેવાય રહી છે.
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પણ ભારે પાણી ભરાયા હતા. અંકલેશ્વર નોટિફઈડ રહેણાંક વિસ્તાર ઉપરાંત સૌથી વધુ આશ્ચર્ય વચ્ચે ઔદ્યોગિક વસાહતમાં ફીકોમ ચોકડી, કોરોમંડલ ચોકડી, ગ્લેનમાર્ક, એલડી ચોકડી જેવા વિસ્તારોમાં રોડ ઉપર ઘુંટણ સમા પાણી ફરી વળ્યા હતા.
અને અનેક ઉદ્યોગ એકમોમાં પણ વરસાદી પાણી ઘુસી ગયા હતા.જયારે અંકલેશ્વર જીઆઇડીસીના પ્લોટ નં. 3407 સ્થિત કનોરીયા કેમિકલ્સ એન્ડ ઇન્સ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં વ્યાપક પ્રમાણમાં કંપની સંકુલમાં ઠેક પ્લાન્ટ એરીયા સુધી પાણી ફરી વળતા ઉત્પાદન પ્રક્રિયા ખોરંભે પડી હતી. તેમજ કરોડો રૂપિયાની મશીનરી,ફિનિશ્ડ તેમજ કાચા માલના જથ્થાને નુકશાન પહોંચ્યુ હોવાનો અંદાજ સેવાય રહ્યો છે. તો ઠપ્પ થયેલી ઉત્પાદન પ્રક્રિયાને પુર્વવત કરવા સમગ્ર પ્લાન્ટને ફરજિયાત શટ ડાઉન કરવાની ફરજ પડે તેવી પણ નોબત સર્જાય હતી.
મોટા ઉપરાંત નાના લઘુ અનેક ઉદ્યોગ એકમોમાં પણ વરસાદી પાણીએ વ્યાપક નુકશાન પહોચાડયુ હતુ. ખાસ કરીને ડાઇઝ પીગમેન્ટ બનાવતા એકમોના સંચાલકોને આર્થિક મંદી વચ્ચે વરસાદી આફ્તને પગલે થયેલા આકસ્મિક નુકશાને પડયા ઉપર પાટુ જેવી નોબત સર્જી દીધી હતી.
મળતી માહિતી પ્રમાણે વરસાદી આફ્તનો ભોગ બનેલ અનેક કંપનીઓએ આ અંગે નોટિફઈડ એરીયા ઓર્થોરિટી ઉપરાંત જીઆઈડીસી નિગમને લેખિતમાં રજુઆત કરી વરસાદી પાણીના યોગ્ય નિકાલ તેમજ અન્ય માળખાકીય સુવિધા સુદ્રઢ બનાવવાની માંગ કરી હોવાનુ જાણવા મળ્યુ હતુ.
કનોરિયા કંપનીમાં પણ પાણી આવતું હોવાની ફરિયાદ
કનોરીયા કંપનીમાં અન્ય પ્લોટોમાંથી પણ પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. કંપની સત્તાધીશો દ્વારા નોટીફઈડ એરીયા ઓથોરિટી, ડ્રેનેજ વિભાગ, જીઆઇડીસી તથા લાગતા વળગતા તંત્રને આ અંગે અગાઉ પણ લેખિતમાં જાણ કરી હોવાની પણ માહિતી સાંપડી રહી છે. પરંતુ તંત્રએ પાણી રોકવા કોઈ પણ પ્રકારના નક્કર પગલાં ભર્યા નથીનું પણ સૂત્રો ઉમેરી રહ્યા છે.