આણંદ જિલ્લા પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. આંકલાવના સરકારી અનાજના ગોડાઉનમાં દોઢ વર્ષ અગાઉ ફાળવવામાં આવેલા તુવેર દાળનો જથ્થો સડેલી હાલતમાં મળી આવ્યો છે.
બેદરકારીના કારણે હજારો કિલો તુવેર દાળનો જથ્થો સળી ગયો
આંકલાવ તાલુકામાં આવેલ સરકારી અનાજની દુકાનો ખાતેથી મધ્યમવર્ગ અને ગરીબ વર્ગના લોકોને સસ્તું અનાજ આપવામાં આવતું હોય છે, જેની ફાળવણી જિલ્લા કક્ષાએથી આંકલાવના ગોડાઉનમાં કરવામાં આવે છે અને અહીંયાથી દુકાનદારો સુધી જથ્થો પહોંચ્યા બાદ વિતરણ કરવામા આવે છે. જેની વિતરણ વ્યવસ્થા જિલ્લા પુરવઠા અધિકારીની દેખરેખ હેઠળ થાય છે. પરંતુ આણંદ જિલ્લા પુરવઠા અધિકારીની બેદરકારીએ હજારો કિલો તુવેર દાળનો જથ્થો ગોડાઉનમાં જ સળી ગયો છે, છતાં હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
જથ્થાનું વિતરણ દુકાનદારોને ન કરવામાં આવ્યું
આંકલાવ સરકારી અનાજના ગોડાઉન પર જિલ્લા કક્ષાએથી તુવેર દાળનો જથ્થો દોઢ વર્ષ અગાઉ ફાળવવામાં આવ્યો હતો, જે જથ્થાનું વિતરણ દુકાનદારોને ન કરવામાં આવતા દુકાનદારોએ તુવેર દાળ ગ્રાહકોને આપી ન હતી અને આ હજારો કિલો તુવેર દાળનો જથ્થો ગોડાઉનમાં જ પડી રહ્યો હતો, જેની તુવેર દાળની ગુણો પર હાલ કરોડીયાના ઝાળા બાજી ગયા છે અને અંદર તુવેર દાળ સડી ગયેલી છે. પુરવઠાના જથ્થાની દેખરેખ જિલ્લા પુરવઠા અધિકારીના હાથમાં હોય છે, પરંતુ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કોઈ જ ધ્યાન ન આપવામાં આવતા હાલ આ જથ્થો સળી ગયો છે .