આણંદ જિલ્લાના સોજીત્રા પંથકમાં મરચાના ભાવ તળીયે જતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો નહીં મળતા મરચાના પાક પાછળ કરેલો ખર્ચ પણ નહીં નીકળે તેની ચિંતામાં ખેડૂતો ગરકાવ થઈ ગયા છે, ટામેટાના ભાવ ગગડવાના કારણે ખેડૂતોને નુકસાન થયા બાદ મરચીના પાકમાં પણ ભાવ ઘટાડાને લઈને નુકસાન થતાં ખેડૂતોમાં નિરાશા પ્રસરી જવા પામી છે.
ખેડૂતોને ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો
ખેડૂતો માટે એક બાદ એક સમસ્યા સતત આવતી રહે છે. ક્યારેક કુદરતી આફત હોય તો ક્યારેક બજારમાં સારો ભાવ ન મળતા ખેડૂતોએ હંમેશા મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ગત સિઝનમાં ટામેટાના ભાવ ગગડી જતા ખેડૂતોને ભારે નુકસાન સહન કર્યા બાદ હવે મરચાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને સતત બીજી સિઝનમાં નુકસાન થતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ક્યારેક માવઠું તો ક્યારેક અતિવૃષ્ટિની આફત બાદ હવે ઓછા ભાવના ડામ ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યા છે. મોંઘા ભાવના બિયારણ, ખેડ, ખાતર, પિયત અને મજુરી સહિતનો ખર્ચ કરી સારી આવકની આશાએ ખેડૂતો ખેતી કરે છે. પરંતુ પાક માર્કેટ યાર્ડ સુધી પહોંચતા પાકના ભાવ તળિયે બેસી જાય છે. આવક બમણી થવાની વાત તો દૂર રહી પણ ખેડૂતોએ કરેલો ખર્ચ પણ નીકળતો નથી. ત્યારે ખેડૂતોને ખેતી કરીને પસ્તાવાનો વારો આવી રહ્યો છે.
શાકભાજીના ભાવ તળિયે બેસી જતાં ખેડૂતોએ ઉભો પાક પશુઓને ચરાવી દીધો
સોજિત્રા પંથકમાં ટામેટી બાદ લીલા મરચાની ખેતી કરતા ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. પહેલા માવઠાનો વર્તારો થતા શાકભાજીના ભાવ તળિયે બેસી જતાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો. માવઠા બાદ માર્કેટમાં શાકભાજીની આવક વધતા ટામેટા, લીલા મરચા, દુધી, કોબિજ, ફ્લાવર જેવા શાકભાજીના ભાવ તળિયે બેસી જતાં ખેડૂતોએ ઉભો પાક પશુઓને ચરાવી દીધો તો કેટલાકે પાક કાઢી નાખી અન્ય પાક કરવા મજબૂર બન્યા છે. જેને કારણે ખેડૂતોને જીવન નિર્વાહ પૂરતા રૂપિયા પણ મળી રહ્યા નથી. ખેડૂતોએ કરેલો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. 120 રૂપિયા એક મજુરની મજુરી, વાહન ભાડું, મોંઘીદાટ દવાઓનો ખર્ચ, પિયત વગેરે જોતા ખેતીમાં આવક કરતાં જાવક વધી રહી છે.
મરચા હાલમાં 12થી 15 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે
ખેડૂતો માર્કેટમાં શાકભાજી વેચવા આવે ત્યારે ભાવ ન મળતા ખેડૂતો માટે ઘાટ કરતા ઘડામણ મોંઘી જેવી સ્થિતિ થઈ છે. ટામેટાના પાકમાં નુકસાન બાદ ખેડૂતોને લીલા મરચાના સારા ભાવ મળશે તો નુકસાની સરભર થઈ જશે તેવી આશા હતી, પરંતુ ખેડૂતોની આ આશા પણ ઠગારી નીવડી છે અને બજારમાં મરચાના ભાવ ગગડવાના કારણે મરચા હાલમાં 12થી 15 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, સ્થાનિક માર્કેટમાં મરચાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, મરચાના પ્રતિ મણ 220થી 260 સુધીના ભાવોમાં દૈનિક 20થી 30 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. મરચાની ખેતીમાં વિઘા દીઠ 25થી 30 હજારનો ખર્ચ આવતો હોય છે, ત્યારે ભાવ ગગડવાના કારણે ખેડૂતોને મરચાના પાક પાછળ કરેલો ખર્ચ પણ વસુલ થશે નહીં તેમ લાગી રહ્યું છે, ત્યારે ખેડૂતો દ્વારા જે રીતે અન્ય અનાજમાં સરકાર ટેકાના ભાવ જાહેર કરે છે તે રીતે મરચા સહિતના શાકભાજીના ભાવમાં પણ ટેકાના ભાવ જાહેર કરે તો ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવે નહીં તેવી લાગણી પ્રસરી રહી છે.