અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. આણંદ જિલ્લાના સારસાના પ્રજાપતિ પરિવારના યુવકની કોલંબિયા કાઉન્ટી પોલીસે કરી ધરપકડ કરી છે. કુરિયરની ડિલિવરી કરવા માટે ગયેલા જય સંજયભાઈ પ્રજાપતિ નામના યુવકની પોલીસે ધરપકડ કરી. એક મહિના પહેલા ધરપકડ કરી પરંતુ પોલીસે ભારતમાં રહેતા પરિવારનો સંપર્ક કર્યો નથી.
યુવક પાસેથી 45 હજાર ડોલર મળતા પોલીસે ધરપકડ કરી
કોલંબિયામાં કુરિયર બોય તરીકે કામ કરતા યુવકનાં પેક કુરિયરમાંથી 45 હજાર ડોલર મળતા પોલીસે ધરપકડ કરી હતી. એક મહિનાથી યુવકનો પરિવાર સાથે સંપર્ક નહીં થતાં પરિવાર ચિંતાતુર બન્યો. પરિવારે આણંદના સાંસદ અને ભારત સરકાર પાસે માગ કરી.
અમારા દીકરાને પરત લાવી આપો: પરિવાર
ધરપકડ કરાયેલ યુવક જયના માતાએ જણાવ્યું કે, જય 2022માં સ્ટુડન્ટ વિઝા પર કોલંબિયા ગયો હતો. જ્યાં તે અભ્યાસની સાથે સાઈડમાં કુરિયર બોય તરીકેની નોકરી કરતો હતો. જ્યાં તેને કોઈનો સંપર્ક થતાં તેણે અન્ય જગ્યાએ પણ કુરિયરની જોબ ચાલુ કરી હતી. જે દરમિયાન પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવતા પોલીસને કુરિયરના પેકેટમાંથી રોકડા 45 હજાર ડોલર મળી આવતા જયની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ અમારો દીકરો જય કંઈ જાણતો નથી અને તેને પેકેટમાં શું છે તેની પણ ખબર ન હતી. તે માત્ર કુરિયર બોય તરીકેનું કામ કરતો હતો. જેથી અમારી સરકારને વિનંતી છે કે, જયને ભારત પરત લાવવામાં આવે.