આણંદ તાલુકાના બેડવા ગામના વલ્લીપુરા વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીર કિશોરીને દારૂ જેવા કોઈ પદાર્થનો નશો કરાવી બે યુવકોએ ખડીપુરા પ્રાથમિક શાળામાં કિશોરી પર સામુહિક દુષ્કર્મનો પ્રયાસ કરતા કિશોરીએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.
સગીર કિશોરી સાથે શારીરીક અડપલા કરી ગાલ પર બચકું ભરી લીધું
જેથી બંને યુવકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા, જે બનાવ અંગે ખંભોળજ પોલીસે પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બેડવા ગામનાં વલ્લીપુરામાં રહેતી સગીર વયની કિશોરીને ગત રાત્રીનાં સુમારે નજીકમાં રહેતી તેની સગીર વયની બહેનપણી ઘરેથી નજીકની ખડીપુરા પ્રાથમિક શાળામાં બેસવા માટે લઈ ગઈ હતી અને બંને ત્યાં બેઠા હતા, ત્યારે સગીર કિશોરીની બહેનપણીનો ભાઈ મુકેશભાઈ ભીમસિંહ પઢીયાર અને તેનો મિત્ર સંજયભાઈ સુરેશભાઈ ચૌહાણ ત્યાં આવેલા અને સંજય સુરેશભાઈ ચૌહાણએ કિશોરીને પોતાની પાસેની પાણીની બોટલમાં પાણી છે તેમ કહી સગીર કિશોરીને નશાકારક પ્રવાહી પીવડાવી દીધુ હતું અને ત્યારબાદ સગીર કિશોરી સાથે શારીરીક અડપલા કરી ગાલ પર બચકું ભરી લીધું હતું.
કિશોરીએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા
તેમજ કિશોરીને ગુપ્તભાગે અડપલા કરતા કિશોરીએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેથી આરોપી સંજય અને મુકેશ બન્ને જણા ત્યાંથી ભાગી છુટયા હતા. ઘટનાની જાણકારી મળતા કિશોરીના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કિશોરીને ત્વરીત સારવાર માટે સારસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી હતી. આ દરમિયાન ઘટનાની જાણ થતા ખંભોળજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કિશોરીને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
3 લોકો વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ નોંધાયો ગુનો
આ બનાવ અંગે ખંભોળજ પોલીસે કિશોરીની ફરિયાદના આધારે દુષ્કર્મનો પ્રયાસ કરનાર સંજયભાઈ સુરેશભાઈ ચૌહાણ તેમજ મુકેશભાઈ ભીમસિંહ પઢીયાર અને સગીર કિશોરીને શાળામાં લઈ જનાર તેની સગીર વયની બહેનપણી સહિત ત્રણ વિરૂદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સમગ્ર ઘટનાની તપાસ સીપીઆઈ કે.કે.દેસાઈ ચલાવી રહ્યા છે.