આણંદમાં ગામડી પોલીસની લુખ્ખી ગુંડાગીરી.પોલીસ ચોકીમાં જ માર મારતા યુવકને ગંભીર ઇજા પંહોચી. ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો. પોલીસ દ્વારા યુવકને માર મારતો વીડિયો વાયરલ થયો.
ફરિયાદી યુવક સાથે પોલીસની દાદાગીરી
ગામડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયેલ યુવક જ શિકાર થયો. યુવક એક્સિડન્ટના બનાવની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગયો હતો. દરમ્યાન પોલીસ ચોકીમાં યુવકની અધિકારી સાથે બબાલ થઈ. અને એક્સિડન્ટની ફરીયાદ નોંધાવવા ગયેલા યુવકને પોલીસે ઢીબી નાખ્યો. યુવકની ફરિયાદ નોંધવાના બદલે પોલીસ તેની સાથે ગેરવર્તણૂંક કરતા ઢોર માર માર્યો. જેના કારણે યુવકને કાનના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો.જો કે પોલીસ ચોકીમાં જ પોલીસે યુવક સાથે કરેલા આ વર્તનનો અજાણ્યા શખ્સ દ્વારા વીડિયો ઉતારવામાં આવ્યો અને તેના બાદ સોશિયલ મીડિયામાં શેર કરાયો હતો.
યુવકને માર મારતો વીડિયો વાયરલ
ગામડી પોલીસ ચોકીમાં યુવકને માર મારતો વીડિયો વાયરલ થતા જ લોકોમાં આક્રોશ જોવા મળ્યો. જનરલ હોસ્પીટલમાં લોકોનાં ટોળા ઉમટી પડયા. પોલીસની દાદાગીરીનો સામે આવેલ વીડિયોમાં દેખાય છે કે યુવક પોલીસને ફરિયાદ લેવા વિનંતી કરી રહ્યો છે. પરંતુ કોઈ બાબતને લઈને અધિકારીઓ નારાજ થયા અને તેના બાદ યુવકને માર મારવા લાગ્યા. આજે રક્ષક જ ભક્ષક બની રહ્યા છે. ફરિયાદ માટે ગયેલ યુવક અને પોલીસ વચ્ચે એવું તું શું થયું કે અધિકારીઓ ક્રોધે ભરાયા. કેમ પોલીસનો પિત્તો ગયો અને યુવકને પોલીસ ચોકીમાં જ ઢોર માર માર્યો?