અમરેલીના બગસરામાં DAP ખાતરને લેવા માટે ખેડૂતોને લાંબી લાઈનો લાગી છે. આજે બગસરામાં 25 દિવસ બાદ DAP ખાતરની આજે 360 બેગ આવી છે, જેને લેવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે.
એક વ્યક્તિદીઠ ખાતરની 2 બેગ આપવાનું કાર્ય શરૂ
આજે માલ આવતા વહેલી સવારથી જ 200 જેટલા લોકોની લાઈનો લાગી છે અને હાલમાં વ્યક્તિ દીઠ ખાતરની 2 બેગ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે તમામ ખેડૂતોને ખાતર મળી રહે અને તેમના પાકને પણ નુકસાન ના થાય. હાલમાં ખેડૂતોને શિયાળુ પાકનું વાવેતર કરવાનો સમય હોય અને આ દરમિયાન જ DAP ખાતરની અછત સર્જાતા ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે.
અમરેલીના મેઘરજમાં DAP ખાતરના સાંસા
બીજી તરફ અમરેલીના મેઘરજમાં પણ DAP ખાતરના સાંસા પડી ગયા છે. ત્યાં પણ ખાતરની અછત હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી ખાતર લેવા માટે ખેડૂતો લાઈનમાં ઉભા છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ખાતર લેવા માટે લાઈનમાં ઉભી છે. ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે સવારથી સાંજ સુધી લાઈનમાં ઊભા રહીએ છતાં ખાતર મળતું નથી અને ખાતરના અભાવે ખેતીમાં નુકસાનીની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.