અમદાવાદ- રાજકોટ નેશનલ હાઈવે ને રૂ. 3,350 કરોડના ખર્ચે છ લેનમાં ફેરવવાનું કામ સાત-સાત વર્ષના વહાણાં વિત્યાં છતાં હજીયે પૂર્ણ થયું નહીં હોવાથી વિરોધ પક્ષ કોંગ્રેસના ઘારાસભ્યોએ સોમવારે ગૃહમાં સરકારની કામગીરી ઉપર પસ્તાળ પાડી હતી. ધ્યાન ખેંચનારી બાબત એ હતી કે, ગયા વર્ષથી ગૃહમાં આ પ્રોજેક્ટ વિશે રજૂઆત કરનારા રાજકોટના ભાજપના ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ સોમવારે પ્રશ્નોત્તરી કાળમાં આ પ્રશ્ન ચર્ચામાં લાવ્યા હતા ખરા, પણ પ્રોજેક્ટની ઢીલી કામગીરી અંગે એમણે હરફ પણ ઉચ્ચાર્યો ન હતો.
અનેક ધારાસભ્યોના પૂરક પ્રશ્નોના ઉત્તરમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલે એવો ફોડ પાડયો હતો કે, પહેલાં 197 કિલોમીટરમાં 6 લેનનું કામ કરવાનો અંદાજ હતો, જે હવે પ્રોજેક્ટમાં વધીને 201.33 કિલોમીટરની કામગીરી થાય છે, જેમાં અત્યાર સુધી 95.86 ટકા જેટલી કામગીરી થઈ ચૂકી છે અને હાકીની 4.14 ટકા યાને આશરે 9 કિલોમીટરની કામગીરી આવતા ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે. મલતબ કે 2018માં શરૂ થયેલા પ્રોજેક્ટનું કામ પૂર્ણ થતાં હજી બીજાં 9 મહિના નીકળી જશે.
આ પ્રોજેક્ટમાં 2019 અને 2020 એમ બે વર્ષ કોરોનાને કારણે કામગીરી બંધ રહેતાં તથા જમીનમ સંપાદનમાં સ્થાનિકોનો વિરોધ થતાં વિલંબ સર્જાયો હોવાનું મંત્રીએ કબૂલ્યું હતું, પરંતુ પ્રોજેક્ટ શરૂ કરાયો ત્યારે ખર્ચનો અંદાજ શું હતો અને હવે પ્રોજેક્ટ પત્યા બાદ કેટલા કરોડમાં પડશે એવી કોંગી ધારાસભ્યોની વારંવારની પૃચ્છાનો મંત્રીએ કોઈ જવાબ આપ્યો ન હતો. એમણે એવું પણ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં 38 જેટલા ફ્લાયઓવર- અન્ડરપાસ બનાવવાના થતાં હતા, જે પૈકી હજી સ્ટ્રક્ચરની કામગીરી બાકી છે.