દાહોદ: દાહોદમાં છ મહિના અગાઉ એક વ્યક્તિને ઠગ ટોળકીએ પેટ્રોલ પંપની ડીલરશીપ આપવા માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમ નામનો બોગસ પેજ બનાવી ઉપરોક્ત વ્યક્તિ પાસેથી જુદા જુદા ફીના નામે 55 લાખ ઉપરાંતની રકમ જુદા જુદા ભાગોમાં સેરવી લીધી હતી. જે બાદ ઠગાઈનો ભોગ બનનાર વ્યક્તિએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છ મહિનાની તપાસ બાદ એક ઠગને ઉત્તર પ્રદેશના લખનઉ ખાતેથી ઝડપી લેવામાં સફળતા સાપડી છે. જોકે, પોલીસના જણાવ્યા અનુસાર આ તો ફક્ત એક નાની માછલી છે. આ કેસમાં આગળ જતા આખું રેકટ ચલાવનાર ભેજાબાજોને જેલ ભેગા કરીશું.
દેવગઢબારિયા નગરના એક નામાંકિત વ્યક્તિ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં પેટ્રોલ પંપ શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ઠગ ટોળકીએ કોઈક રીતે ઉપરોક્ત વ્યક્તિની માહિતી મેળવી ગત વર્ષે 8 ડિસેમ્બરના રોજ હિન્દુસ્તાન પેટ્રોલિયમના નકલી પેજ મારફતે દેવગઢ બારીયાના આ વ્યક્તિનો સંપર્ક કરી હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં ડીલરશીપ અપાવવાની લાલચ આપી તેની પાસેથી સમયાંતરે કાયદેસર ડીલરશીપ માટે ફોર્મ ભરાવ્યું, અલગ અલગ પ્રોસેસથી જેમાં રજીસ્ટ્રેશન, ફ્રી પ્રોફાઈલ બનાવવાની ફી, ડોક્યુમેન્ટની તથા સર્વે કરવાની ફી, લાયસન્સ ફી,સિક્યુરિટી ડિપોઝિટ, સીએનસી ગેસ ડિસ્પેન્સર ફી, પેટ્રોલ ડીઝલના સ્ટોક માટે, પેટ્રોલ ડીઝલ અને સીએનસી ટેસ્ટીંગ ડિસ્પેન્સર, ટેન્કર ટેસ્ટિંગ તેમજ એનઓસી સર્ટિફિકેટના બહાને ઉપરોક્ત ઠગ ટોળકી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના બનાવટી સહી સિક્કા તેમજ તમામ લેટર, એનઓસી લાઇસન્સ, તેમજ હિન્દુસ્તાન પેટ્રોલિયમના નામના whatsapp તથા gmail ઉપર મેસેજ મોકલ્યા હતા.
આ પણ વાંચો:
ક્રાઇમ ફિલ્મ જેવી જ ઘટના બની વલસાડમાં! પ્રેમિકાના પતિને વાતોમાં ફસાવી પ્રેમી બન્યો મિત્ર અને પછી…
એટલું જ નહીં ભોગ બનનાર વ્યક્તિને શંકા ન પડે તે માટે પેટ્રોલ પંપ ફાળવવા માટે જમીન તેમજ સર્વે કરવા માટે વિઝિટ ટીમ પણ મોકલી હતી. ઉપરોક્ત ઠગ ટોળકીએ સામેવાળા વ્યક્તિ પાસેથી 55 લાખ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી લીધી હતી જે બાદ ભોગ બનનારે તારીખ 15 માર્ચ 2023ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જે બાદ આ ઠગ ટોળકીના એક સભ્યને ઉત્તર પ્રદેશના લખનૌથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.
સાયબર ક્રાઇમના કેસમાં પ્રોફેશનલ ડીવાયએસપી કંસારા, પી.આઇ દિગ્વિજયસિંહ પઢિયાર, પીએસઆઇ પરમાર સહિતની ચાર લોકોની ટીમે છ મહિના સુધી તલસ્પર્શી તપાસ કરી અંદાજે 200 જેટલા મોબાઈલને ચેક કરી આરોપીની શોધમાં દાહોદથી સેકડો કિલોમીટર દૂર નેપાલ બોર્ડર પર આવેલું રક્ષોલ ગામ પૂર્વ ચંપારણ બિહાર ખાતે પહોંચી હતી. જ્યાં પહોંચ્યા બાદ આરોપી ત્યાંથી નીકળી ગયો હતો.જે બાદ પોલીસે ઉપરોક્ત આરોપીનો સાયાની જેમ પીછો કરી ગુંદમ્પા લખનઉ ખાતેથી ઝડપી લેવામાં સફળતા હાંસલ કરી હતી.
સાયબર ક્રાઇમના આ કેસમાં પોલીસે 12 દિવસ સુધી બીજા રાજ્યમાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી ખૂબ જ કાળજીપૂર્વક આ ઓપરેશનને પાર પાડ્યો છે. જેમાં ઠગ ટોળકીના એક સભ્યને ઝડપી પાડ્યો છે. હજી આ કેસમાં કોઈ રિકવરી થઈ નથી પરંતુ આ કેસમાં ઘણા બધા લોકો સંડોવાયેલા છે, આખું રેકેટ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર