અમરેલી: અમરેલી જિલ્લાના ખાંભા, રાજુલા, જાફરાબાદ વિસ્તારમાં માનવ ઉપર સિંહ અને દીપડાના હુમલાની ઘટનાઓ બનતી રહે છે. તાજેતરમાં જે બાળકોના મોત થયા છે. વારંવાર બનતી ઘટનાઓથી દરેક પિતાને પોતાના સંતાનની ચિંતા સતાવે છે. બાળકોને રક્ષણ કેમ કરવું? આ પ્રશ્ન દરેક પિતાના મનમાં ચાલતો હોય છે. ખાસ કરીને વાડી વિસ્તારમાં રહેતા પિતા દીપડાના ડરના કારણે રાત્રીના ઉંઘી શકતા નથી અને પોતાના વ્હાલસોયા સંતાનની રક્ષા કરે છે. પરંતુ આ રીતે કેટલા દિવસ, મહિના રક્ષણ કરી શકાય? આનો માર્ગ રાજુલા તાલુકાના ઝાપોદર ગામના ભરતભાઈ બારીયાએ શોધી લીધો છે. ભરતભાઈએ પોતાના છ સંતાનના રક્ષણ માટે લોખંડનું પાંજરું બનાવ્યું છે.
રાજુલા તાલુકાના ઝાપોદર ગામમાં ભરતભાઈ બારીયાની ઉંમર 35 વર્ષ છે અને અભ્યાસ પાંચ ધોરણ સુધી કર્યો છે. ઝાપોદર ગામની સીમમાં વાડીએ રહે છે. ભરતભાઈને સંતાનમાં છ બાળકો છે. ભરતભાઈના પત્નીનું થોડા મહિના પહેલા નિધન થયું છે. છ સંતાનની જવાબદારી ભરતભાઈ ઉપર આવી ગઈ છે.
ત્યારબાદ રાત્રીના સમયે પોતાના વાડીએ રહેતા હોવાથી અવારનવાર દીપડો લટાર મારતો હોવાનો નજરે ચડ્યો હતો અને પોતાના પાલતુ કૂતરાના ચાર બચ્ચાનો મારણ કર્યું હતું. જેથી પોતે અને પોતાના બાળકો ભયભીત થયા હતા અને રાત્રીના સમયે દીપડો વારંવાર આવી ચઢે છે.
ભરતભાઈએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા મારી દસ વર્ષની દીકરી આખી રાત જાગી હતી અને કહેતી હતી કે ‘પપ્પા દીપડો આવશે અને અમને લઈ જશે.’ બાદ હું પણ આખી રાત જાગ્યો હતો. બાદ મિત્રો સાથે આ અંગે ચર્ચા કરી હતી અને બાળકો માટે પાંજરું બનાવવાનો વિચાર કર્યો હતો. ગામમાં કારીગર પાસે પાંજરું બનાવ્યું છે. નવ હજાર રૂપિયામાં પાંજરું તૈયાર થઈ ગયું છે. જેમાં એક બેડ છે અને બેડની ફરતે લોખંડની જાળી મારવામાં આવી છે. આ પિંજરામાં સાત લોકો આરામથી સૂઈ શકે છે. હવે અમે સુરક્ષિત ઊંઘીએ છીએ.
ખેતીવાડીમાં કામ કરવા રાત્રીના સમયે જવું પડે છે અને પોતાને વાડી વિસ્તારમાં રહેલા મકાનમાં એક પણ જગ્યાએ દરવાજા કે કંઈ પણ છે નહીં જેથી આ પિંજરું બનાવવાનો પ્લાન તૈયાર કર્યો હતો અને આખરે આ પિંજરું બનાવ્યું છે. બાળકોને બચાવવા માટે અને સેફટી માટે આ પિંજરું બનાવવામાં આવ્યું છે. બે દિવસમાં આ લોખંડનું પિંજરું તૈયાર કરીને વાડીએ લઈ આવ્યા હતા. રાત્રીના સમયે બાળકો આમાં આરામ પછી સૂવે છે અને પોતાના જીવ બચાવી રહ્યા છે.
વાઇલ્ડ લાઇફના ફોટોગ્રાફર મુકેશભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે, “લોક ભાગીદારીનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ ભરતભાઈએ બનાવ્યું છે અને આ પિંજરું બનાવ્યું છે, જેથી પોતાનો પરિવાર સુરક્ષિત રહે છે. આ વિસ્તારમાં ખૂબ જ વન્ય પ્રાણીઓનો વસવાટ છે અને રાત્રીના સમયે અવારનવાર શિકાર કરતા અને મારણ કરતા, માનવ ઉપર હુમલા કરતા વિડીયો વાયરલ થયેલા છે અને ઘટનાઓ ખૂબ બનેલી છે. ત્યારબાદ આ ભરતભાઈએ તૈયાર કરેલું પિંજરું ખૂબ જ સુંદર ઉદાહરણ છે.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર