સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા અને લખતરમાં અકસ્માતના બનાવમાં 2 વ્યકતીઓને ઈજા પહોંચી છે. જેમાં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશનો યુવાન બાઈક લઈને ચુડાના કારોલ ગામે પ્રસંગમાં જતો હતો. ત્યારે કારે અડફેટે લેતા ઈજા પહોંચી છે. બીજી તરફ લખતરમાં ડમ્પર રસ્તાની સાઈડમાં ઉતરી જતા ચાલકને ઈજા થઈ હતી.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે રહેતા યશપાલ નરોત્તમભાઈ બદ્રેશીયા જસદણની વીન્ડ પાવર કંપનીમાં નોકરી કરે છે. ચુડા તાલુકાના કારોલ ગામે રહેતા તેમના મામા કમલેશ નરોત્તમભાઈ વસોયાને ત્યાં માતાજીનો માંડવો હોઈ તેઓ તા. 19ના રોજ બાઈક લઈને નાગનેશથી કારોલ જવા નીકળ્યા હતા. જેમાં કરમડ અને ભૃગુપુર વચ્ચે સામેથી આવતી કારના ચાલકે બીફકરાઈથી ચલાવી બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં જમણા હાથે-પગે અને શરીરે ઈજા થતા તેઓને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની ચુડા પોલીસ મથકે અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ જે.એન.ગમારા ચલાવી રહ્યા છે. જયારે સાયલાથી કપચી ભરીને એક ડમ્પર લખતર હાઈવે પર પસાર થતુ હતુ. જેમાં હાઈવે પર પેટ્રોલપંપની પાસે કપચી ખાલી કરવાની હોઈ ડમ્પર રીવર્સ લેતા અંધારામાં ખાઈમાં ઉતરી ગયુ હતુ. આ બનાવમાં ડમ્પર ચાલકને ઈજાઓ થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જયારે પોલીસે દોડી જઈ ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢી રસ્તો ખુલ્લો કર્યો હતો.